Punjab and Chandigarh High Court News | પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે જો પતિના મોત બાદ તેના સ્થાને પત્નીને રહેમરાહે નોકરી આપવામાં આવે તો પત્ની તેની સાસુને ભરણપોષણ આપવા બંધાયેલી છે. જોકે હાઇકોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સીઆરપીસીની કલમ 125 મુજબ પુત્રવધુ પર સાસુ અને સસરાના ભરણપોષણની જવાબદારી નથી હોતી પરંતુ ન્યાય માટે અપવાદ કરી શકાય છે.
હાઇકોર્ટના ન્યાયાધીશ હરપ્રીતસિંહ બરાડની બેંચે મામલાની સુનાવણી કરી હતી, અગાઉ ફેમેલી કોર્ટે પણ મહિલાને આદેશ આપ્યો હતો કે તે પોતાની સાસુને ભરણપોષણ માટે દર મહિને 10 હજાર રૂપિયા આપે. ફેમેલી કોર્ટના આ આદેશને બાદમાં મહિલાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઇકોર્ટે ફેમેલી કોર્ટના ભરણપોષણ આપવાના આદેશને યોગ્ય ઠેરવ્યો છે. અરજદાર મહિલાને વર્ષ 2002માં પતિના મોત બાદ વર્ષ 2005માં રેલ કોચ ફેક્ટ્રી તરફથી જૂનિયર ક્લાર્કની નોકરી આપવામાં આવી હતી. નોકરી મળ્યા બાદ મહિલા પતિનું ઘર છોડીને પુત્ર સાથે અન્ય જગ્યાએ રહેવા માટે જતી રહી હતી. વર્ષ ૨૦૨૨માં મહિલાની સાસુએ સોનીપત સ્થિત ફેમેલી કોર્ટમાં ભરણપોષણની માગણી કરી હતી.
માર્ચ ૨૦૨૪માં ફેમેલી કોર્ટે મહિલાને આદેશ આપ્યો હતો કે તે પોતાની સાસુને ભરણપોષણ આપે કેમ કે તેને પતિના મૃત્યુ બાદ રહેમરાહે નોકરી મળી છે. જેને પડકારતી અરજીમાં મહિલાએ એવી દલીલ કરી હતી કે મારી સાસુને અન્ય પુત્રો પણ છે જે તેની દેખરેખ રાખી શકે છે. આ ઉપરાંત સાસુએ મને નોકરી મળ્યાના 20 વર્ષ બાદ ભરણપોષણની માગણી કરી છે જે યોગ્ય નથી. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે જ્યારે મહિલાએ નોકરી સ્વીકારી ત્યારે ખાતરી આપી હતી કે તે પતિના પરિવારની પણ દેખરેખ રાખશે.
સાસુનો એક પુત્ર હાલ છે તે રિક્ષા ચલાવે છે, પૌત્ર ગંભીર બિમારીનો સામનો કરી રહ્યો હોવાથી આ એક પુત્ર તેની દેખરેખ રાખે છે. સાસુની એક પુત્રી છે જેના લગ્ન થઇ ચુક્યા છે તેથી આ વૃદ્ધ મહિલાનું ધ્યાન રાખનારુ હાલ કોઇ નથી. આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે મહિલાને આદેશ આપ્યો હતો કે તે પોતાની સાસુની દેખરેખ માટે ભરણપોષણ તરીકે ફેમેલી કોર્ટના આદેશ મુજબ મહિને 10 હજાર રૂપિયા આપે. મહિલા પોતાના મૃત પતિની જવાબદારી ઉઠાવી રહી છે, નોકરી સમયે સાસુના ભરણપોષણની ખાતરી આપી હતી.


