નવી દિલ્હી,
તા. ૫
કેબિનેટે આજે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ૨૦૨૨ના ડ્રાફ્ટને
મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટની મંજૂરી પછી બિલને સંસદના
ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે
જણાવ્યું હતું કે સરકાર સંસદના ચોમાસુ સત્રમાં ડેટા પ્રોટેકશન બિલ અને ટેલિકોમ બિલ
પસાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા યુઝર્સની
પ્રાઇવેસી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ દરમિયાન એપ્રિલ,
૨૦૨૩માં કેન્દ્રે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એક નવું ડેટા પ્રોટેકશન
બિલ તૈયાર છે અને જુલાઇમાં સંસદના ચોમાસુ સત્રમાં તેને રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સંસસદનું ચોમાસુ સત્ર ૨૦ જુલાઇએ શરૃ થશે
અને ૧૧ ઓગસ્ટે પૂર્ણ થશે. આ બિલની જોગવાઇઓનો ભંગ કરનાર કંપની પર ૨૫૦ કરોડ રૃપિયાનો
દંડ ફટકારવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
મોબાઇલ અને ઇન્ટરનેટ વધતા ઉપયોગને કારણે પ્રાઇવેસીની
સુરક્ષાની જરૃરિયાત સતત વધી રહી છે. અનેક દેશોમાં લોકોના ડેટા પ્રોટેકશન અંગે કડક
કાયદા અમલમાં આવી ગયા છે. જો કે ભારતમાં હાલમાં આ સંદર્ભમાં કોઇ કાયદો અમલમાં નથી.
આ કાયદાના પાલન માટે ડેટા પ્રોટેકશન બોર્ડ ઓફ ઇન્ડિયાની
રચનાની ભલામણ કરવામાં આવી છે. જેમાં વપરાશકર્તા પોતાની ફરિયાદ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે બેંક,
ક્રેડિટ કાર્ડ અને વીમા સાથે સંકળાયેલ માહિતી લીક થવાની ઘટનાઓ વારંવાર થતી
જોવા મળે છે. જેના કારણે લોકો પોતાના ડેટાની પ્રાઇવેસે અંગે ચિંતિત છે.


