તૌકતેઃ મુંબઈના દરિયામાં 273 લોકો ભરેલુ જહાજ ફસાયું, 177 લોકોને બચાવી લેવાયા
- કોલાબાથી થોડે દૂર પણ એક હોડી ફસાઈ ગઈ હતી જેમાં 137 લોકો સવાર હતા
નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર
તૌકતે વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તબાહી મચી છે. વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા વચ્ચે ભારે પવન અને વરસાદે કહેર વર્તાવ્યો હતો. આ બધા વચ્ચે મુંબઈમાં વાવાઝોડા દરમિયાન દરિયામાં એક હોડી ફસાઈ ગઈ હતી જેમાં આશરે 273 લોકો સવાર હતા.
વાવાઝોડાના કારણે તે હોડી ડૂબી ગઈ હતી અને બાદમાં ભારતીય નેવીએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી જેમાં મંગળવાર સવાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આઈએનએસ કોચી, આઈએનએસ કોલકાતા અને અન્ય મોટા જહાજો પણ બચાવ કામગીરીમાં લાગ્યા છે.
ભારતીય નેવીના અહેવાલ પ્રમાણે ઈન્ડિયન નેવલ P8I સર્વિલન્સ એરક્રાફ્ટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેવીના હેલિકોપ્ટર પણ તેમાં મદદ કરી રહ્યા છે. મંગળવારે આ ઓપરેશનની ગતિ વધારવામાં આવશે અને સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન નેવીએ જણાવ્યું કે, એક મોટી હોડી જેમાં 273 લોકો સવાર હતા તે ડૂબી ગઈ હતી અને તે પૈકીના 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તે સિવાય કોલાબાથી થોડે દૂર પણ એક હોડી ફસાઈ ગઈ હતી જેમાં 137 લોકો સવાર હતા. તેમને બચાવવા માટે પણ નેવીએ સપોર્ટ મોકલી આપ્યો છે.
તે સિવાય નેવીનું આઈએનએસ તલવાર એક તેલ કાઢવામાં આવે છે તે જગ્યાએ નજર રાખી રહ્યું છે જ્યાં 101 લોકો ઉપસ્થિત છે. તે તમામ લોકોને શક્ય તેટલી ઝડપથી સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.