India

વાવાઝોડું મોન્થા ઃ ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ

By GS TEAM
26 Oct 20251 min read
વાવાઝોડું મોન્થા ઃ ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ


ભુવનેશ્વર, તા. ૨૬

બંગાળના અખાતમાં ડિપ્રેશન પ્રબળ બની ડિપ ડિપ્રેશનમાં ફેરવાતા ઓડિશા સરકારે રાજ્યના તમામ ૩૦ જિલ્લાઓમાં એલર્ટ જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ૨૮ અને ૨૯ ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. 

ઓડિશા સરકારે વાવાઝોડા મોન્થાને કારણે  રાજ્યમાં ભારેથી અતિભારે  વરસાદની ચેતવણીની વચ્ચે સાવચેતીના પગલારૃપે સાત જિલ્લાઓમાં સરકારી અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર વાવાઝોડાથી ઓડિશાને ડાયરેક્ટ કોઇ ખતરો નથી પણ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ અને ઝડપી પવનોની સંભાવના છે. સરકારી અધિકારીઓને તાત્કાલિક પોતાના વડામથકે પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઝડપી પવનોની સાથે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના છે. સરકારે અગાઉથી જ બચાવ અને રાહત માટેના ઉપાય શરૃ કરી દીધા છે.

ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ઓડીઆરએએફ)ની ટીમ એલર્ટ પર છે. ઇમરજન્સી વિભાગે સામાન્ય પ્રજા માટે હેલ્પલાઇન શરૃ કરી છે.

બીજી તરફ આંધ્ર પ્રદેશ સરકારે પણ મોન્થા વાવાઝોડાના ખતરાને પગલે રાહત કાર્ય માટે એકશન પ્લાનની રચના કરી છે. આ એકશન પ્લાનમાં જીવનજરૃરી વસ્તુઓના પુરવઠામાં અવરોધન ઉભો ન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.