ખતરનાક બન્યું વાવાઝોડું ‘મોચા’, 3 દિવસનું રેડ એલર્ટ, પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ, મણિપુરમાં ભારે વરસાદની ચેતવણી : શનિ-રવિ જનજીવન પ્રભાવિત થવાની શક્યતા
સંબંધિત અધિકારીઓને જાન-માલના નુકસાનને રોકવા સાવચેતીનાં પગલાં લેવા તમામ રાજ્ય સરકારોનો આદેશ
નવી દિલ્હી, તા.12 મે-2023, શુક્રવાર
હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું મોચા ઝડપથી આગળ વધી રહ્યું છે અને 13 મેની સાંજે ‘મોચા’ ખતરનાક વાવાઝોડામાં પરિવર્તીત થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વાવાઝોડાના કારણે પ્રતિ કલાક 135 કિમીની ઝડપે પવન ફુકાવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે. શુક્રવારે રાતથી આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે 3 દિવસનું રેડ એલર્ટ જારી કર્યું છે. IMDએ ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તો રાજ્ય સરકારોએ પણ સંબંધિત અધિકારીઓને જાન-માલના નુકસાનને રોકવા તમામ સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.
વાવાઝોડું બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધશે
આ વાવાઝોડું બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધશે. પશ્ચિમ બંગાળ સરકારે સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. પૂર્વ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા જિલ્લા, સુંદરવન વગેરે વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. IMD ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું કે, ચક્રવાતી તોફાન મોચા બંગાળની મધ્ય ખાડી ક્ષેત્રને અડીને આવેલા દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે અને તે પ્રતિ કલાક 9 કિમીની ઝડપે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડુ ‘મોચા’ શનિવારે સાંજે તીવ્ર બનવાની સંભાવના
હવામાન વિભાગે કહ્યું કે, વાવાઝોડુ મોચા શનિવારે સાંજે વધુ તીવ્ર બની શકે છે. આ વાવાઝોડુ કૉક્સ બજાર (બાંગ્લાદેશ) અને ક્યૌકપ્યૂ (મ્યાંમાર) વચ્ચે દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તર મ્યાંમારના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે રવિવારે બપોરના સમયે સિતવે (મ્યાંમાર) નજીક પહોંચી શકે છે. ચક્રવાત મોચાના કારણે પ્રતિ કલાક 140-150 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને તેની મહત્તમ ઝડપ 165 કિમી પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે.
પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં મોટાભાગના સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જેના કારણે આ રાજ્યોમાં શનિવાર અને રવિવારે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. વરસાદ અને ભારે પવનને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલનની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉપરાંત ભારે વરસાદને કારણે કાચા રસ્તામાં તિરાડો પડવાની, નાના વૃક્ષો ધરાશાઈ થવાની અને ઝાડની ડાળીઓ તૂટી જવાની, નાના વૃક્ષોને નુકસાન અને ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.