Get The App

બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડું ‘મોચા’, પવનની ઝડપ 200 કિમી

દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું ‘મોચા’ હવે વધુ ખતરનાક બન્યું

વાવાઝોડાને કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં વરસાદ અને જોરદાર પવન

Updated: May 14th, 2023

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડું ‘મોચા’, પવનની ઝડપ 200 કિમી 1 - image

નવી દિલ્હી, તા.14 મે-2023, રવિવાર

દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું ‘મોચા’ હવે વધુ ખતરનાક બની ગયું છે. આ વાવાઝોડું મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું છે, જેના કારણે હાલ બાંગ્લાદેશ અને મ્યાનમારમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ચક્રવાતની ઝડપ વધીને 195 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી, જેના કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં વાવાઝોડું આવી શકે છે, જ્યારે બંગાળ, ઓડિશા અને ભારતના આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની સંભાવના છે. 

બાંગ્લાદેશ-મ્યાનમાર દરિયાકાંઠે સમય પહેલા પહોંચ્યું ‘મોચા’

બાંગ્લાદેશના હવામાન વિભાગના પ્રવક્તા એ.કે.એમ. નજમુલ હુદાએ જણાવ્યું કે, વાવાઝોડું ‘મોચા’ સંભવિત સમય પહેલા આજે બપોરે નાફ નદી પરથી ટેકનાફ દરિયાકિનારે પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે, દરિયાકિનારો પાર કરવામાં ‘મોચા’ને વધુ સમય લાગી શકે છે. પાંચમી કેટેગરીનું વાવાઝોડું ખુબ જ ખતરનાક માનવામાં આવે છે.

પ્રતિ કલાક 200 કિમી પવનની ઝડપ

બાંગ્લાદેશના દક્ષિણપૂર્વીય કોક્સ બજારના ટેકનાફ ઉપ-જિલ્લાના વહીવટી વડા મોહમ્મદ કમરુઝમાને જણાવ્યું કે, બંગાળની ખાડી નજીક ટેકનાફ અને તેના દક્ષિણ ભાગ શાહપોરી ડીપમાં 200 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ટેકનાફ મ્યાનમારની નજીક છે. કમરુઝમાને જણાવ્યું કે, ખુબ જ ઝડપી પવનના કારણે હવામાન ભયાનક જોવા મળી રહ્યું છે, જોકે દરિયામાં મોટા મોજાં ઉછળતા જોવા મળી રહ્યા નથી. હવામાન અધિકારીઓએ જણાવ્યું કે, નાફ નદીમાં હાલ મોટા મોજાંઓ ઉછળી રહ્યા છે.

10 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓની મુશ્કેલી વધી

ચક્રવાતને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે બંગાળની ખાડીની આસપાસના વિસ્તારોમાં ખતરનાક પૂર આવી શકે છે. એવી આશંકા છે કે વાવાઝોડું બાંગ્લાદેશના દક્ષિણપૂર્વીય સરહદી જિલ્લા કોક્સ બજાર પર ત્રાટકી શકે છે, જ્યાં 10 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા તાજેતરના બુલેટિન મુજબ, પવનને કારણે સામાન્ય કરતાં 8થી 12 ફૂટ ઊંચા મોજાંથી કોક્સ બજાર અને ચિટાગોંગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે. સમાચાર અનુસાર સામાન્ય કરતાં 5થી 7 ફૂટ ઊંચા મોજાં ઉછળવાને કારણે ફેની, નોઆખલી, લક્ષમપુર, ચાંદપુર અને ભોલાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે.

Tags :