આજે 'ગુલાબ' વાવાઝોડાનું લેન્ડફોલ, ઓરેન્જ એલર્ટ જાહેર, ઓડિશા-બંગાળમાં ભારે વરસાદ
- વાવાઝોડાના કારણે ઓડિશામાં 25 અને 28 સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદ સાથે અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર, 2021, રવિવાર
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના અહેવાલ પ્રમાણે ગુલાબ નામનું એક વાવાઝોડું રવિવારે સાંજે દક્ષિણી ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં ત્રાટકી શકે છે. આ બધા વચ્ચે વાવાઝોડાની તીવ્રતા વધી ગઈ છે અને યેલો એલર્ટને અપડેટ કરીને ઓરેન્જ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસના કહેવા પ્રમાણે વાવાઝોડાને લઈ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુલાબ વાવાઝોડું દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના તટીય વિસ્તાર કલિંગાપટનમ પાસે રવિવારે સાંજે લેંડફોલ કરશે. આ દરમિયાન 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
ઓરેન્જ એલર્ટમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવતી હોય છે. આ બધા વચ્ચે ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્યમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ વધી ગયું જેથી ગુલાબ વાવાઝોડું વધારે તેજ બન્યું છે.
ગુલાબ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કોલકાતા, હાવડા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણાની સાથે પૂર્વીય મિદનાપુરમાં મંગળવારથી ભારે વરસાદનું અનુમાન છે. કોલકાતા પોલીસે વાવાઝોડાનો સામનો કરવા માટે યુનિફાઈડ કમાન્ડ સેન્ટર નામથી કંટ્રોલ રૂમ ખોલ્યો છે.
વાવાઝોડાના કારણે ઓડિશામાં 25 અને 28 સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદ સાથે અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.