વાવાઝોડાને પગલે આ 2 જિલ્લાના ખેડૂતો માટે કૃષિમંત્રીએ 240 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી
10% ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને અપાશે સહાય
વાવાઝોડાના કારણે 1.30 હજાર હેક્ટર ખેતીની જમીનની નુકસાન
ગાંધીનગર, તા.14 જુલાઈ-2023, શુક્રવાર
તાજેતરમાં જ રાજ્ય પર બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં સૌથી વધુ કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અસર હતી. ત્યારબાદ ચારેકોરથી રાહત પેકેજની માંગ કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રાહત પેકેજને લઈ મોટી જાહેરાત કરી છે.
2 જિલ્લાના ખેડૂતો માટે 240 કરોડના રાહત પેકેજની જાહેરાત
કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી વાવાઝોડામાં અસર પામેલા 2 જિલ્લાના ખેડૂતો માટે 240 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પટેલ દ્વારા આજે વાવાઝોડાથી સૌથી વધુ અસર પામેલા કચ્છ અને બનાસકાંઠા માટે 240 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. તાજેતરમાં જ રાજ્ય પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છ, બનાસકાઠાં ઉપરાંત ઘણા જિલ્લાઓમાં ખેતી પાકોથી લઈ મકાનો, ઢોર-ઢાંખરને પણ નુકસાન થયું હતું. દરમિયાન વાવાઝોડાથી નુકસાનીનો તાગ તાગ મેળવવા કૃષિ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો, જેમાં 1.30 હજાર હેક્ટર પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું.
10% ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને અપાશે સહાય
કૃષિમંત્રી રાઘવજી પટેલે 240 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવાની સાથે એમ પણ કહ્યું કે, જે ખેડૂતોને 10 ટકાથી વધુનુ નુકસાન થયું હોય, તેમને જ સહાય મલશે. તેમણે કહ્યું કે, વાવાઝોડાને પગલે 33 ટકાથી વધુ બાગાયતી અને પિયત પાકને નુકસાન થયું છે, ત્યારે કૃષિમંત્રીએ આજે રાહત પેકેજની જાહેરાત કરી ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે.
25,000 પ્રતિ હેકટર સહાય જાહેર કરવામાં આવી
રાઘવજી પટેલે જણાવ્યું કે, બાગાયતી પાકો-ફળઝાડ પડી જવાથી નુકશાનીમાં સહાયરૂપ થવા બહુવર્ષાયુ બાગાયતી પાકોના 10% કે તેથી વધુ અને 33% સુધી ઝાડ ઉખડી જવાના/પડી જઈ/ભાંગી જઈ નાશ પામેલ હોય તેવા ખાસ કિસ્સામાં પણ રાજય ભંડોળમાંથી 25,000 પ્રતિ હેકટર સહાય જાહેર કરાઈ છે. બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના/પડી જઇ/ભાંગી જઈ નાશ પામેલ હોય તે કીસ્સામાં SDRFના નિયમ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.22,500ની સહાય ઉપરાંત ખાસ કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.1,02,500 ગણતરીમાં લઈ કુલ રૂ.૧,૨૫,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય જાહેર કરેલ છે.
વાવાઝોડાના કારણે 1.30 હજાર હેક્ટર ખેતીની જમીનની નુકસાન
રાજ્ય પર વાવાઝોડું ત્રાટક્યા બાદ રાજ્યના કૃષિ વિભાગની કૃષિ ટીમ દ્વારા નુકસાનીનો તાગ મેળવવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 1.30 હજાર હેક્ટર ખેતીની જમીનની નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. નુકસાનીનો સર્વે કરાયા બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આજે રાહત પેકેજની જાહેરાત કરી હતી. જોકે આમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, નુકસાનીના સરવે રિપોર્ટને આધારે સહાય આપવામાં આવશે.