ચક્રવાત 'બીપર જોય' ખતરનાક બન્યો છે, વડાપ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે
- સમગ્ર પશ્ચિમ તટે
- 'બીપર જોય' નામ બાંગ્લાદેશે આપ્યું છે, તેનો અર્થ બંગાળી ભાષામાં 'આપત્તિ' કે 'વિપત્તિ' તેવો થાય છે
નવી દિલ્હી : ચક્રવાતી તોફાન 'બીપર જોય' ખતરનાક બની ગયો છે. હવામાન વિભાગે લર્ટ જારી કર્યું છે. ૧૫ જૂન સુધીમાં તે સૌરાષ્ટ્ર- કચ્છ સુધી પહોંચવાની સંભાવના છે. ત્યારે કલાકના ૧૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પૂરી શક્યતા છે. ગોવાથી શરૂ કરી કચ્છનાં લખપત સુધી તે તબાહી મચાવી દઈ શકે તેમ છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
ઉલ્લેખનીય છે કે બીપર જોય નામ બંગ્લાદેશે આપ્યું છે તેનો અર્થ બંગાળી ભાષામાં 'આપત્તિ' કે 'વિપત્તિ' તેવો થાય છે. આ ચક્રવાતના ભયે સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે થોડા સમયમાં (દિવસોમાં) જ ઓરેન્જ માં ફરી જવાની ભીતી છે.
આ સાથે સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફોર્સ (એસડીઆરએફ) અને નેશનલ ડીઝાસ્ટર રીલીફ ફોર્સ / એનડીઆરએફ) ની ટુકડીઓ હોડીઓ (બોટસ) સાથે તૈનાત રાખવામાં આવી છે. છ જિલ્લામાં આશ્રય કેન્દ્રો સ્થાપિત કરાયા છે.
હવામાન વિભાગે ગુજરાતના 'સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂરી તૈયારી' કરવા ગુજરાત સરકારને જણાવી દીધું છે. સમુદ્રતટીય વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બુધવાર સુધીમાં સ્થિતિ ખરાબથી વધુ ખરાબ બનવા અને ગુરુવારે તો તેથી પણ વધુ ખરાબ બનવા જણાવી જ દેવામાં આવ્યું છે.
આઈએનડી જણાવે છે કે ૧૩ થી ૧૫ જુન વચ્ચે ભારે વર્ષા થવાની સંભવના છે. પવનની ગતિ ત્યારે કલાકના ૧૫૦ કિ.મી. સુધી પહોંચશે. આથી કચ્છ, દ્વારિકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર-સોમનાથ અને સોમનાથ સુધીના વિસ્તારો આ પ્રચંડ ચક્રવાતથી પ્રભાવિત થવાની પૂરી શકયતા રહેલ છે. કચ્છમાં જિલ્લા કલેકટરે નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઉંચાણવાળા વિસ્તારોમાં ફેરવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે આ બધી તૈયારીઓ માટે ત્યાના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.
સમુદ્રમાં જાગી રહેલા તોફાન અને ઊંચા મોજાંઓને લીધે પ્રવાસન સ્થળ બંધ કરાયું છે. રીલીફ કમીશનર આલોક ખાંડેએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે, તટીય જિલ્લાઓના અધિકારી, ભૂમિદળ, ભારતીય તટરક્ષક દળના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. ટૂંકમાં પશ્ચિમ ભારત સમુદ્ર તટે ભારે ભીતિ વ્યાપી ગઈ છે.