Get The App

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ 1 - image


- દિલ્હી, મુંબઈ, બેંગ્લોરમાં આઈફોન-17 માટે રાતથી જ લાંબી લાઈનો

- ભગવા રંગના આઈફોન-17, નવી બાયોનિક ચીપ, અપગ્રેડ કેમેરા, બદલાયેલું પ્રોસેસર ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

નવી દિલ્હી : અમેરિકન સ્માર્ટફોન કંપની એપલે શુક્રવારે ભારતમાં તેના ફ્લેગશિપ આઈફોન-૧૭ની લાઈનઅપ લોન્ચ કરી હતી, જેને લેવા માટે ગ્રાહકોએ વિશેષરૂપે યુવાનોએ મોડી રાતથી જ દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુના એપલ સ્ટોર બહાર લાંબી લાઈનો લગાવી હતી. મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો ડ્રાઈવ મોલમાં એપલ સ્ટોર બહાર ગ્રાહકો લાઈનમાં ઊભા હતા તે સમયે એક ગ્રાહકે લાઈન તોડતા અન્ય ગ્રાહકો સાથે તેને મારામારી થઈ ગઈ હતી. જોકે, ત્યાં હાજર પોલીસે હળવો લાઠીચાર્જ કરી તુરંત સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર બીકેસીમાં એપલ સ્ટોરની બહાર મોડી રાતથી જ સેંકડો ગ્રાહકોએ બે લાઇન લગાવી હતી. સવારના સમયે એક ગ્રાહકે લાઇન તોડતાં તેમની વચ્ચે અંદરો અંદર મારામારી શરૂ થઇ હતી. જેને પગલે સ્થાનિક સુરક્ષા ગાર્ડ અને પોલીસ કર્મચારીઓએ હસ્તક્ષેપ કરી મારામારી કરતા યુવાનોને ફટકારતા તેમને અલગ કર્યા હતા અને થોડીક વારમાં જ સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

એપલ સ્ટોર બહાર ગ્રાહકોમાં મારામારીની આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, એપલ સ્ટોર ખૂલ્યા પછી ગ્રાહકો લાઇનમાં સ્ટોરમાં પ્રવેશી ખરીદી કરતાં જોવા મળ્યા હતા.

એપલે શુક્રવારે ભારતમાં નવા આઈફોન-૧૭ની લાઈનઅપ આઈફોન-૧૭, આઈફોન-૧૭ પ્રો અને આઈફોન-૧૭ મેક્સ તથા પહેલો આઈફોન એર લોન્ચ કર્યા હતા. ગ્રાહકોમાં ખાસ કરીને યુવાનોમાં આઈફો-૧૭નો જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. દિલ્હીમાં એપલ સ્ટોર બહાર એક ગ્રાહકે કહ્યું કે, એપલે આ વખતે આઈફોનની ડિઝાઈનમાં ફેરફાર કરાયો છે. વધુમાં આઈફોન-૧૭ ભગવા રંગમાં રજૂ કરાયો છે. આ રંગના આઈફોનનું પણ લોકોમાં જબરજસ્ત આકર્ષણ જોવા મળ્યું છે.

મુંબઈમાં આઈફોન-૧૭ના પ્રથમ ગ્રાહકોમાંના એક અમન મેમણે પોતાના તથા પરિવારજનો માટે ત્રણ આઇફોન ખરીદ્યા હતા. અમને જણાવ્યું હતું કે દર વર્ષે હું આઇફોેનનું નવું મોડલ ખરીદવા માટે ત્રણ વાગ્યાથી લાઇનમાં ઉભો રહી જાઉં છું. મને આઇફોનના નવા મોડલ વાપરવાની તાલાવેલી હતી અને છ મહિનાથી હું તેની રાહ જોતો હતો. નવા આઇફોનનો રંગ અને નવી બાયોનિક ચીપ મારા માટે મોટું આકર્ષણ બની રહ્યા છે. 

દુનિયા આખીમાં આવેલા એપલના સ્ટોરની બહાર તેના વફાદાર ગ્રાહકો એપલની નવી પ્રોડક્ટ ખરીદવા માટે લાઇનો લગાવતાં હોય એ સામાન્ય બાબત છે. ભારતમાં નવી દિલ્હી, મુંબઇ અને હવે બેન્ગાલુરૂમાં આવેલાં એપલસ્ટોરની બહાર પણ હવે આવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. 

Tags :