- ક્રિપ્ટો હવાલા નેટવર્કથી વિદેશથી નાણા કાશ્મીરમાં ઘૂસાડવામાં આવી રહ્યા છે
- કિશ્તવારમાં ડ્રોન, સ્નિફર ડોગ સાથે મોટું સર્ચ ઓપરેશન, આતંકીઓના ગોળીબારમાં નવ જવાન ઘાયલ
શ્રીનગર/પઠાણકોટ: જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી તત્વોને ફરી સક્રિય કરવાનું કાવતરુ સામે આવ્યું છે. એટલુ જ નહીં જમ્મુ કાશ્મીરમાં ક્રિપ્ટો હવાલા દ્વારા આ અલગતાવાદીઓ માટે ફન્ડિંગ થઇ રહ્યું હોવાનો પણ ખુલાસો થયો છે. જેને પગલે એજન્સીઓ વધુ એલર્ટ થઇ ગઇ છે. વિદેશી ફન્ડિંગ માટે હવે અગાઉના પરંપરાગત હવાલા સિસ્ટમની જગ્યાએ આધુનિક ક્રિપ્ટો હવાલા નેટવર્કનો ઉપયોગ થઇ રહ્યો છે.
પઠાણકોટમાં ચીન-તુર્કીની બે પિસ્તોલ, ત્રણ એકે-૪૭ રાઇફલ્સ, ૧૦૦ કારતૂસ સાથે અનેક હથિયારો જપ્ત
એજન્સી સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ ક્રિપ્ટો હવાલા નેટવર્ક દેશની મૂળ નાણાકીય દેખરેખ વ્યવસ્થાને સાઇડલાઇન કરીને કોઇ પણ પ્રકારની ઓળખ વગર જ વિદેશી નાણા ઘાટીમાં ઘૂસાડવામાં મદદ કરી રહ્યું છે. ક્રિપ્ટો હવાલા નેટવર્કની મદદથી ઘાટીમાં આ વિદેશી નાણા ઘૂસાડયા બાદ તેનો ઉપયોગ તે અલગતાવાદી તત્વોને ફરી મજબૂત કરવા માટે થઇ રહ્યો છે જેને પોલીસ, સુરક્ષા એજન્સીઓએ પોતાની કાર્યવાહી દરમિયાન નિષ્ક્રિય કરી નાખ્યા હતા.
આ ક્રિપ્ટો હવાલા નેટવર્ક અન્ય દેશો સાથે જોડાયેલુ છે, ચીન-મલેશિયાથી ટ્રાન્સફર ક્રિપ્ટોના બદલામાં ચીન, મલેશિયા, મ્યાંમાર અને કંબોડિયા જેવા દેશોમાં સક્રિય હેન્ડલર્સ સ્થાનિક લોકોને કેવાયસી વગરના ખાનગી ક્રિપ્ટો વોલેટ બનાવવા માટે ઉશ્કેરી રહ્યા છે. આ વોલેટને વીપીએન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જેથી તેની ઓળખ, લોકેશન સહિતની તમામ વિગતોને છૂપાવી શકાય. વિદેશી હેન્ડલર્સ સીધા આ વોલેટમાં ક્રિપ્ટો કરંસી ટ્રાન્સફર કરે છે. જે બાદ વોટેલ ધારકો મુંબઇ, દિલ્હી જેવા શહેરોમાં જઇને પીયર-ટૂ-પીયર (પી૨પી) ટ્રેડરોંના માધ્યમથી ક્રિપ્ટોને કેશમાં બદલી નાખે છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાં આતંકીઓ સાથે લડતી વખતે ત્રણ જવાનો ઘાયલ થઇ ગયા હતા, હાલ આ સમગ્ર વિસ્તારમાં જંગલમાં સુરક્ષાદળો દ્વારા મોટા પાયે આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. જેમાં ડ્રોન, સ્નિફર ડોગ અને સર્વેલંસના અન્ય સાધનોનો ઉપયોગ કરાઇ રહ્યો છે. આ વિસ્તારમાં આ વર્ષે ત્રીજી વખત આતંકીઓ સાથે સૈન્યનું ઘર્ષણ થયું છે. આ પહેલા ૭ અને ૧૩ જાન્યુઆરીએ પણ એન્કાઉન્ટર થયું હતું. દરમિયાન પંજાબના પઠાણકોટમાં મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પઠાણકોટના નરોટ જમાલસિંહ વિસ્તારમાં પોલીસે ત્રણ એકે-૪૭ રાઇફલ્સ, પાંચ મેગઝીન, તુર્કી અને ચીનમાં બનેલી બે પિસ્તોલ, ૧૦૦ જેટલા કારતુસ જપ્ત કર્યા છે. આ તમામ હથિયારોને પાકિસ્તાન દ્વારા પંજાબમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવા માટે ઘૂસાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.


