CRPF જવાનની પાકિસ્તાની પત્નીને રાહત, હાઈકોર્ટે દેશનિકાલ પર રોક લગાવી, ભારતીયોએ ઉઠાવ્યા સવાલ
CRPF Jawan's Pakistani Wife Case : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તણાવભર્યો માહોલ છે. ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક ધોરણે ભારત છોડીને જતા રહેવાનો આદેશ આપ્યો છે. ભારત છોડીને જઈ રહેલા પાકિસ્તાનીઓમાં એક નામ છે મીનલ ખાન, જેને ભારત છોડવાનું કહેવામાં આવ્યું હતું, પણ હાઈકોર્ટે આ આદેશની ઉપરવટ જઈને મીનલના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે.
કોણ છે મીનલ ખાન?
મીનલ ખાન એક પાકિસ્તાની નાગરિક છે. તેણે ભારતના નાગરિક મુનીર ખાન સાથે લગ્ન કર્યા છે. પાકિસ્તાનના પંજાબની મીનલ અને જમ્મુના રહેવાસી મુનીર સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા. બંને વચ્ચે પ્રેમ થતાં મે, 2024માં તેમણે ઓનલાઈન નિકાહ કર્યા હતા. મુનીર CRPF જવાન છે.
વિઝા સમાપ્ત થઈ ગયા તોય ભારત નહોતું છોડ્યું
મુનીર સાથે લગ્ન કર્યા પછી મીનલ ખાન ટૂંકા ગાળાના વિઝા પર જમ્મુ આવી હતી. વિઝાની મુદત 22 માર્ચ, 2025 ના રોજ સમાપ્ત થઈ ગઈ હોવા છતાં મીનલ પાકિસ્તાન પાછી નહોતી ગઈ. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એ પછી ભારત સરકારે તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દીધા હતા અને તેમને 29 એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કરાંચી અને લાહોરનું એરસ્પેસ બંધ, પાકિસ્તાનનો મોટો નિર્ણય
છેલ્લી ઘડીએ કોર્ટનો આદેશ મીનલને ફળ્યો
સરકારના આદેશના પગલે મીનલ ખાને ભારત છોડી દેવાની તૈયારી કરી લીધી હતી. અટારી-વાઘા સરહદ સુધી લઈ જતી બસમાં બેસીને તે રવાના પણ ગઈ હતી. તેનો પતિ પણ તેને છોડવા માટે અટારી સુધી ગયો હતો. જોકે, છેલ્લી ઘડીએ તેના વકીલ અંકુર શર્માએ ફોન કરીને તેને જાણ કરી હતી કે મીનલના ડિપોર્ટેશન પર હાઈકોર્ટનો સ્ટે મળી ગયો છે, તેથી હવે મીનલે ભારત છોડીને જવાની જરૂર નથી.
શા માટે હાઈ કોર્ટે મીનલ ખાનને રાહત આપી?
દેશનિકાલ સામે મીનલે જમ્મુ-કાશ્મીર અને લદાખ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે મીનલના પક્ષમાં એમ કહીને ફેંસલો સંભળાવ્યો હતો કે, કેન્દ્ર સરકારનો આદેશ એવા પાકિસ્તાની નાગરિકોને લાગુ પડે છે જેઓ ભારતમાં તેમના સંબંધીઓને મળવા માટે આવ્યા છે, જ્યારે કે મીનલ તો ભારતીય નાગરિકને પરણી છે અને તેમના લગ્ન સંપૂર્ણપણે કાયદેસર છે. તેથી તેને ભારત છોડવાની ફરજ ન પાડી શકાય. આમ થતાં, મીનલ અટારી બોર્ડરથી જમ્મુ પરત ફરી હતી.
આ પણ વાંચો : ગુજરાત સહિત 11 રાજ્યોના 26 બેંકોનું મર્જર, જુઓ યાદી
આ મુદ્દે મીનલ ખાને શું કહ્યું?
હાઈકોર્ટ દ્વારા મીનલ ખાનને રાહત મળે એ પહેલાં ડિપોર્ટેશન બાબતે મીનલ ખાને આવું નિવેદન આપ્યું હતું, ‘અમે બધા નિયમોનું પાલન કર્યું છે. માર્ચ મહિનામાં મારા ટૂંકા ગાળાના વિઝાની મુદત પૂરી થયા પછી મેં લાંબા ગાળાના વિઝા માટે અરજી કરી દીધી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે અરજી મંજૂર થઈ જશે. પરંતુ પહેલગામના હુમલા પછી મને મારા પતિથી અલગ કરવામાં આવી રહી છે. મારી જેમ ઘણા બાળકોને તેમની માતા કે પિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે. આ અમાનવીય છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાર્થના કરીએ છીએ કે અમને ન્યાય આપવામાં આવે.’
સીમા પાર લગ્ન વિરુદ્ધ કોઈ કાયદો નથી
મીનલ ખાને એવી દલીલ પણ કરી હતી કે, ભારત અને પાકિસ્તાનના નાગરિકોએ લગ્ન કર્યા હોય તો તેમને એકબીજાના દેશમાં રહેવાની પરાવાનગી મળવી જ જોઈએ, કેમ કે સરહદપારના નાગરિક સાથે લગ્ન ન કરી શકાય એવો કોઈ કાયદો નથી. અથવા તો પછી એવો કાયદો જ બનાવી દો કે પાકિસ્તાની મહિલાઓ ભારતીય પુરુષો સાથે લગ્ન ન કરી શકે. પણ જ્યાં સુધી આવો કાયદો ન હોય ત્યાં સુધી અમને રહેવાની મંજૂરી આપવી જોઈએ. પહેલગામમાં હુમલા થયો એ પહેલાં જ મેં મારા વિઝાની મુદત લંબાવી આપવા માટે ભારત સરકારને અરજી કરી દીધી હતી.
આ પણ વાંચો : ગુજરાતના તટ નજીક યુદ્ધ જહાજો ઍલર્ટ પર
સેંકડો નાગરિકોએ સરહદ પાર કરી છે
કેન્દ્રના નિર્દેશ પછીના છ દિવસમાં 55 રાજદ્વારીઓ અને તેમના સહાયક સ્ટાફ સહિત 786 જેટલા પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા સરહદ દ્વારા ભારત છોડી ગયા છે. પાકિસ્તાન ગયેલા 1,465 ભારતીયો પણ ભારત પરત આવી ગયા છે.
CRPF જવાન સાથે પાકિસ્તાની મહિલાના લગ્ને લોકોની ચિંતા વધારી
મીનલ ખાનનો કેસ મીડિયામાં ચગતાં જ ભારતીયોના મનમાં સ્વાભાવિક સવાલ ઊઠવા લાગ્યા છે કે, ‘એક CRPF જવાનને પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરવાની મંજૂરી જ કેવી રીતે આપવામાં આવી?’ ઘણા લોકો સોશિયલ મીડિયા પર શંકા કરી રહ્યા છે કે, ‘આ લગ્ન પાકિસ્તાન દ્વારા ફેલાવાયેલી “લગ્ન-જાળ” હોઈ શકે છે. આ અને એના જેવી બીજી પાકિસ્તાની મહિલાઓ ભારતની જાસૂસી કરવા માટે જ ભારતીય પુરુષો સાથે લગ્ન કરતી હોય છે.’
અમુકે એવા સવાલ પણ કર્યા કે, ભારતના વિઝા પૂરા થઈ જવા છતાં એ મહિલા પાકિસ્તાન નહોતી ગઈ, એ જ સાબિત કરે છે કે તેને કોઈનો ડર નથી. તેની પહોંચ ઉપર સુધી હોઈ શકે છે. લોકો આ દિશામાં તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.