'માફી અસ્વીકાર, મગરના આંસુ નહીં ચાલે', કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી અંગે SCની ફટકાર, SITનું ગઠન
SC Rejects Vijay Shah’s Apology : મધ્ય પ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી પર અત્યંત વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા મંત્રી અને પોલીસને સતત ફટકાર લગાવાઈ રહી છે. એવામાં વિજય શાહે દાવો કર્યો છે કે હવે તેઓ માફી માંગી રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ માફીને પણ ફગાવી દીધી છે.
SITની રચનાના નિર્દેશ
આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચવાનો નિર્દેશ કર્યો છે. આ SITમાં મધ્ય પ્રદેશ સરકાર સાથે સંકળાયેલા ના હોય એવા ત્રણ અધિકારી સામેલ હશે, જેમાંથી એક મહિલા અધિકારી હશે. સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના ડીજીપીને આવતીકાલે રાત્ર 10 વાગ્યા પહેલા SIT રચવાનો નિર્દેશ આપ્યો છે. આ ટીમનું નેતૃત્વ IGP દ્વારા કરાશે અને અન્ય બે સભ્ય SP કે તેની ઉપરની રેન્કના હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે SITની તપાસમાં પૂર્ણ સહયોગ આપવો પડશે. ત્યાં સુધી શાહની ધરપકડ પર રોક રહેશે.
તમારી માફી સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટ
મંત્રી વિજય શાહે માંગી માંગી હોવાની વાત પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું છે, કે 'અમે તમારો વીડિયો મંગાવ્યો છે. અમે જોવા માંગીએ છીએ કે તમે કઈ રીતની માફી માંગી છે. અમુક વખત કાર્યવાહીથી બચવા માટે લોકો મગરના આંસુ પણ વહાવતા હોય છે. તમે સમજ્યા વિચાર્યા વિના નિવેદન આપ્યું અને હવે માફી માંગી રહ્યા છો. અમને તમારી માફી નથી જોઈતી. તમે રાજનેતાઓ છો, તમારે સંવેદનશીલ હોવું જોઈએ અને પોતાની જવાબદારી સમજવી જોઈએ. તમે લોકોને દુ:ખ પહોંચાડ્યું છે.
રાજ્ય સરકારને પણ લગાવી ફટકાર
એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશની રાજ્ય સરકારને ફટકાર લગાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ FIR નોંધવામાં આવી, ત્યાં સુધી તમે શું કરતા હતા? તમારી તરફથી અત્યાર સુધી શું તપાસ કરાઇ? આ કેસમાં રાજ્ય સરકારે પોતે જ પગલાં લેવાની જરૂર હતી.'