India

કર્ણાટકમાં કોંગ્રેસની સરકારનું સંકટ ટળ્યું! ડી. કે. શિવકુમાર બોલ્યા, મને કોઈ ઉતાવળ નથી...

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને સત્તાધારી કોંગ્રેસ પક્ષમાં રાજકીય ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે. વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે હવે દલિત મુખ્યમંત્રીની માંગ સાથે ત્રીજા દાવેદાર પણ મેદાનમાં ઉતરતા મામલો વધુ ગંભીર બન્યો છે. જોકે આ સૌની વચ્ચે એક અહેવાલ એવા છે કે શિવકુમારે સીએમ પદને લઈને જે નિવેદન આપ્યું છે તેનાથી મામલો થાળે પડતો દેખાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્ણાટકમાં કોંગ્રેસની સરકારનું સંકટ ટળ્યું! ડી. કે. શિવકુમાર બોલ્યા, મને કોઈ ઉતાવળ નથી...

Karnataka CM Post Controversy : કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને સત્તાધારી કોંગ્રેસ પક્ષમાં રાજકીય ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે. વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે હવે દલિત મુખ્યમંત્રીની માંગ સાથે ત્રીજા દાવેદાર પણ મેદાનમાં ઉતરતા મામલો વધુ ગંભીર બન્યો છે. જોકે આ સૌની વચ્ચે એક અહેવાલ એવા છે કે શિવકુમારે સીએમ પદને લઈને જે નિવેદન આપ્યું છે તેનાથી મામલો થાળે પડતો દેખાય છે. 

શિવકુમારનો સંયમ, પણ ઇશારા યથાવત્

મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી અટકળો વચ્ચે, ડી. કે. શિવકુમારે ગુરુવારે એ વાતનો ઇન્કાર કર્યો હતો કે તેમણે સિદ્ધારમૈયાને બદલવા અંગે કોઈ વાતચીત કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "મને કોઈ વાતની ઉતાવળ નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે મુંબઈની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન તેમણે કોઈ પણ પક્ષના નેતા સાથે મુલાકાત કરી ન હતી અને જો આવી કોઈ ચર્ચા થશે તો તે બેંગલુરુ કે દિલ્હીમાં થશે, મુંબઈમાં નહીં.

વિવાદનું મૂળ: અઢી-અઢી વર્ષનો 'પાવર-શેરિંગ' ફોર્મ્યુલા

આ સમગ્ર નેતૃત્વ પરિવર્તનની અટકળોનું મૂળ 2023ના કથિત "સત્તા-ભાગીદારી કરાર"માં છે, જેમાં સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે અઢી-અઢી વર્ષના કાર્યકાળ પર સહમતિ બની હોવાનું કહેવાય છે. શિવકુમારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફોર્મ્યુલા 18 મે, 2023ના રોજ સિદ્ધારમૈયા, શિવકુમાર, મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા અને ડી. કે. સુરેશ વચ્ચે લાંબી મંત્રણા બાદ નક્કી થયો હતો.

બદલાતા સૂર અને સોશિયલ મીડિયા પરના સંકેત

શરુઆતમાં સિદ્ધારમૈયા પૂરા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહેવાની વાત પર અડગ હતા, પરંતુ 22 નવેમ્બરે ખડગે સાથેની મુલાકાત બાદ તેમનું વલણ નરમ પડ્યું અને તેમણે કહ્યું કે, "હાઇકમાન્ડ સત્તા-ભાગીદારીના મુદ્દે નિર્ણય લેશે." બીજી તરફ, શિવકુમારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, "વચન નિભાવવું એ સૌથી મોટી તાકાત છે." આને પાર્ટી હાઇકમાન્ડ માટે એક સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે.

ત્રીજા દાવેદાર અને દલિત CMની માંગ

આ રાજકીય લડાઈમાં હવે કર્ણાટકના ગૃહમંત્રી અને વરિષ્ઠ દલિત નેતા જી. પરમેશ્વરે પણ ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું કે, "હું હંમેશા મુખ્યમંત્રી પદની રેસમાં રહ્યો છું." તેમણે યાદ અપાવ્યું કે 2013માં જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે તેઓ KPCCના અધ્યક્ષ હતા અને દલિત સંગઠનો લાંબા સમયથી દલિત મુખ્યમંત્રીની માંગ કરી રહ્યા છે.

હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિતનું કેન્દ્રીય નેતૃત્વ આ મુદ્દાનો કાયમી ઉકેલ લાવવા માટે બંને નેતાઓ સાથે વાતચીત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન, શિવકુમારના સમર્થક કેટલાક ધારાસભ્યો નેતૃત્વ પરિવર્તન માટે હાઇકમાન્ડ પર દબાણ લાવવા માટે દિલ્હીમાં પડાવ નાખીને બેઠા હોવાના અહેવાલ છે.