Get The App

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય... OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય... OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન 1 - image

Image Source: Twitter

Supreme Court  on Creamy Layer: સુપ્રીમ કોર્ટે આજે OBC અનામત અંગે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે, કોઈ ઉમેદવારનો ક્રીમિ લેયર દરજ્જો ફક્ત તેમના પરિવારની આવકના આધારે નક્કી ન કરી શકાય. કેસની સુનાવણી કરતાં બેન્ચે કહ્યું કે, 'પોસ્ટની શ્રેણીઓ અને સ્ટેટસના માપદંડોનો સંદર્ભ લીધા વિના, ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર દરજ્જો નક્કી કરવો કાયદાકીય દૃષ્ટિએ યોગ્ય નથી.' કોર્ટનું માનવું છે કે આવકની સાથે-સાથે વ્યક્તિના સામાજિક અને વ્યાવસાયિક પદને પણ ધ્યાનમાં રાખવું અનિવાર્ય છે. 

શું છે ક્રીમિ લેયરનો હેતુ?

ક્રીમિ લેયર શબ્દનો પ્રયોગ OBC સમુદાયના એવા લોકો માટે કરાય છે, જે આર્થિક અને સામાજિક રીતે ખૂબ સમૃદ્ધ બની ચૂક્યા છે. અનામતનો લાભ આ વર્ગને ન મળીને સમુદાયના એ ગરીબ અને પછાત લોકો સુધી પહોંચે, જેની તેને ખરેખર જરૂર છે. આ વિચારની શરૂઆત 1992ના પ્રખ્યાત ઇન્દ્રા સાહની vs ભારત સરકાર મામલા બાદ થઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે OBC રિઝર્વેશનને યથાવત્ રાખ્યુ હતું પરંતુ સમૃદ્ધ લોકોને આમાંથી બાકાત રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 1993માં સરકારે તેને લાગુ કરવાના નિયમો બનાવ્યા હતા. 

વર્તમાન નિયમો પ્રમાણે જ કોઈ OBC પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ છે તો તેને ક્રીમિ લેયર દરજ્જો અપાય છે. આવા ઉમેદવારો સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતના હકદાર નથી. આવકની આ મર્યાદા છેલ્લી વાર 2017માં 6 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયા કરવામાં આવી હતી. 

આવક ઉપરાંત ઉચ્ચ બંધારણીય હોદ્દા પર બેઠેલા વ્યક્તિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓના બાળકોને પણ ક્રીમિ લેયરની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

આ પણ વાંચો: ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત

સુપ્રીમ કોર્ટના આ નવા ચુકાદાથી સરકાર પર ક્રીમિ લેયરની ઓળખ કરનારા 1993ના નિયમોની સમીક્ષા કરવાનું દબાણ વધી શકે છે. કોર્ટે સંકેત આપ્યો છે કે માત્ર પૈસાને માપદંડ તરીકે આધાર માની લેવો એ સામાજિક ન્યાયના વ્યાપક ઉદ્દેશ્યોની વિરુદ્ધ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે એક ઓછા પગારવાળા વ્યક્તિ પણ ઊંચા વહીવટી પદ પર છે તો તેની સામાજિક સ્થિતિ એક અમીર ઉદ્યોગપતિ કરતાં અલગ હોઈ શકે છે.