નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે મોતીલાલ વોરા વિરૂધ્ધ ગુનાહિત કાર્યવાહી રદ્દ કરી
મોતીલાલ વોરાનું નિધન થતા કોર્ટે ગુનાહિત કાર્યવાહી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે
નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2021 શનિવાર
દિલ્હીની એક અદાલતે કોંગ્રેસનાં દિવંગત નેતા મોતીલાલ વોરા સામે નેશનલ હેરલ્ડ કેસમાં ચાલી રહેલી ગુનાહિત કાર્યવાહી રદ્દ કરી દીધી છે, મોતીલાલ વોરાનું નિધન થતા કોર્ટે આ નિર્ણય લીધો છે. કોર્ટ બિજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા વોરા, કોંગ્રેસનાં નેતા સોનિયા અને રાહુલ ગાંધી તથા અન્યો વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલી ગુનાકિય ફરિયાદ અંગે સુનાવણી કરી રહી હતી.
આરોપી તરફથી હાજર થયેલા વકીલ તરન્નુમ ચીમાએ વોરાનું ડેથ સર્ટિફિકેટને રેકોર્ડ કરવા માટે અરજીની અસલ પ્રત દાખલ કરી અને તેમના વિરૂધ્ધ ચાલી રહેલી કાર્યવાહી રદ્દ કરવાની વિનંતી કરી, ત્યાર બાદ અદાલતે આ હુકમ આપ્યો, અદાલતે વોરાનાં નિધનનાં ખરાઇ રિપોર્ટ દાખલ કરવા માટે સંબંધિત એસએચઓને નોટીસ જારી કરી, તેમણે જણાવ્યું કે 21 ડિસેમ્બર 2020નાં દિવસે કોંગ્રેસનાં નેતાનું દેહાંત થયું હતું.
અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સચિન ગુપ્તાએ 28 જાન્યુઆરીનાં દિવસે આપેલા એક હુકમમાં કહ્યું દાખલ કરાયેલા રિપોર્ટને જોતા હાલ ચાલી રહેલા કેસમાં મોતીલાલ વોરા વિરૂધ્ધ કાર્યવાહી રદ્દ કરાય છે. અન્ય આરોપીઓ વિરૂધ્ધ કેસ ચાલતો રહેશે, કોર્ટ આ કેસની 11 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરશે.
કેસમાં તમામ 7 આરોપીઓ સોનિયા, રાહુલ ગાંધી, કોંગ્રેસનાં અગ્રણી નેતાઓ ઓસ્કાર ફર્નાન્ડિઝ, સુમન દુબે, સૈમ પિત્રોડા, વોરા અને યંગ ઇન્ડિયન(વાઇવાઇ) પ્રાઇવેટ લિમિટેડ વિરૂધ્ધ લગાવવામાં આરોપોથી ઇન્કાર કર્યો છે.