Get The App

કોંગ્રેસ માટે બિહારથી ચિંતાજનક અહેવાલ, તમામ 6 ધારાસભ્યો જેડીયુમાં જોડાય તેવી શક્યતા

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
Bihar Assembly Elections


(IMAGE - IANS)

Bihar Assembly Elections: બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા પાયે પક્ષપલટાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે રાજ્યનું રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ શકે તેમ છે. ચર્ચા છે કે કોંગ્રેસના તમામ 6 ધારાસભ્યો ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ(યુનાઇટેડ)માં જોડાઈ શકે છે. જો આવું થશે, તો 243 સભ્યોની બિહાર વિધાનસભામાં કોંગ્રેસનું અસ્તિત્વ શૂન્ય થઈ જશે. રિપોર્ટ્સ અનુસાર, આ ધારાસભ્યો પક્ષની કામગીરીથી નારાજ છે અને તાજેતરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત મહત્ત્વની બેઠકો અને કાર્યક્રમોથી પણ તેઓએ અંતર જાળવી રાખ્યું હતું, જે તેમના પક્ષ છોડવાના મજબૂત પુરાવા માનવામાં આવે છે.

કોંગ્રેસના તમામ 6 ધારાસભ્યો નીતિશ કુમારના સંપર્કમાં

જો કોંગ્રેસના આ 6 ધારાસભ્યો જેડીયુમાં જોડાશે, તો નીતિશ કુમારની પાર્ટી 91 ધારાસભ્યો સાથે વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બની જશે અને ભાજપને પાછળ છોડી દેશે. હાલમાં 89 બેઠકો સાથે ભાજપ પ્રથમ ક્રમે છે. જોકે, ભાજપ પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સક્રિય છે. સમાચાર છે કે ભાજપ ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી 'રાષ્ટ્રીય લોક મોરચા' (RLM)ના અસંતુષ્ટ ધારાસભ્યો પર નજર રાખી રહ્યું છે. RLMના 4 માંથી 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે, કારણ કે તેઓ કુશવાહા દ્વારા તેમના પુત્રને કેબિનેટ મંત્રી બનાવવાના નિર્ણયથી નારાજ છે.

આ પણ વાંચો: ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી, ફ્લાઈટ્સના રુટ ચેન્જ

બિહાર ગઠબંધનમાં 'નંબર ગેમ' અને પદ માટે ખેંચતાણ

બીજી તરફ, બિહારના રાજકારણમાં અન્ય એક મહત્ત્વની હલચલ 'ઘર વાપસી'ને લઈને જોવા મળી રહી છે. જેડીયુના પૂર્વ દિગ્ગજ નેતા આરસીપી સિંહ, જેઓ નીતિશ કુમારથી અલગ થઈને પ્રશાંત કિશોરની 'જન સુરાજ'માં જોડાયા હતા, તેઓ ફરીથી જેડીયુમાં પરત ફરે તેવી શક્યતા છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં નીતિશ કુમાર અને આરસીપી સિંહની સાથે હાજરીએ આ અટકળોને વેગ આપ્યો છે. આમ, આગામી દિવસોમાં બિહારના સત્તાધારી ગઠબંધનમાં નંબર ગેમ અને પદ માટે મોટી ખેંચતાણ જોવા મળી શકે છે.

કોંગ્રેસ માટે બિહારથી ચિંતાજનક અહેવાલ, તમામ 6 ધારાસભ્યો જેડીયુમાં જોડાય તેવી શક્યતા 2 - image