કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મામલો
Cough Syrup Death Case: ભારતમાં કફ સિરપને લઈને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા સતત તપાસ કરાઈ રહી છે અને પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ ખાવાથી અનેક બાળકોના મૃત્યુ બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની સલાહ આપતી એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. બીજી તરફ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જણાવી દઈએ કે, કફ સિરપના કારણે 20થી વધુ બાળકોના મોત થયા છે, જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં થયા છે. મધ્ય પ્રદેશના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે આ પાછળનું કારણ ગુજરાતમાં બનેલી બે કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલ(DEG)નું પ્રમાણ મર્યાદા કરતાં અનેકગણું વધારે હોવાનું છે. તમિલનાડુ સરકારે કાચીપુરમમાં બનેલી કફ સિરપ 'coldrif' ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
NHRCએ આ રાજ્ય સરકારોને નોટિસ જારી કરી
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની સરકારોને નોટિસ જારી કરી છે, જેમાં તેમને દૂષિત કફ સિરપથી બાળકોના મૃત્યુના આરોપોની તપાસ કરવા અને નકલી દવાઓના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. કફ સિરપથી બાળકોના મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ દવાઓના ઉત્પાદન, પરીક્ષણ અને વિતરણની તપાસની માગ કરી છે. આ સાથે બાળકોના મૃત્યુની તપાસ CBIને સોંપવાની પણ માગ કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશના ડ્રગ વિભાગની તપાસમાં જે બે કફ સિરપમાં DEGનું પ્રમાણ વધુ મળ્યું છે તે નીચે મુજબ છે:
1. રી-લાઇફ (Re-Life) કફ સિરપ: આ સિરપ M/s Shape Pharma Pvt. Ltd. દ્વારા બનાવવામાં આવી છે.
2. રેસ્પિફ્રેસ ટીઆર (Respi fresh TR) કફ સિરપ: આ સિરપ M/s Rednonex Pharmaceuticals Pvt. Ltd. દ્વારા બનાવવામાં આવી છે.
ગુજરાત સરકાર એક્શનમાં, કફ સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ
કફ સિરપ મામલે ગુજરાત સરકાર તાત્કાલિક એક્શનમાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ બંને કફ સિરપનો જેટલો પણ જથ્થો ગુજરાતના બજારમાં ઉપલબ્ધ છે, તે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. બજારમાંથી સંપૂર્ણ રીતે આ કફ સિરપનો જથ્થો પરત ન ખેંચાય ત્યાં સુધી FDCA આખી પ્રક્રિયામાં સતત ધ્યાન આપે. આ બે કંપનીઓ ઉપરાંત રાજ્યમાં અન્ય જે કંપનીઓ પણ કફ સિરપનું ઉત્પાદન કરે છે, તેમની પ્રોડક્ટ્સની પણ ગુણવત્તા ચકાસણી કરવામાં આવશે અને તે પ્રમાણિત છે કે નહીં, તેની ખાતરી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે જારી કરી ચેતવણી
મહારાષ્ટ્ર FDA એ જાહેર ચેતવણી જારી કરી છે કે Respifresh TR અને Relife કફ સિરપમાં સલામત મર્યાદાથી વધુ ઝેરી ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) હોય છે. તેમનું વેચાણ, વિતરણ અથવા ઉપયોગ પ્રતિબંધિત છે અને લાઇસન્સધારકોએ તાત્કાલિક કોઈપણ સ્ટોકની જાણ કરવી પડશે.
કોલ્ડ્રિફ બનાવતી કંપની વિશે તમિલનાડુમાં મોટો ખુલાસો
તમિલનાડુ સરકારે કફ સિરપ 'કોલ્ડ્રિફ' ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને બજારમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. તમિલનાડુ સરકારે આ બાબત અંગે 44 પાનાનો અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં ચોંકાવનારા તારણો બહાર પાડવામાં આવ્યા છે. કોલ્ડ્રિફ બનાવતી કંપની શ્રીસેન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર કાચીપુરમમાં 39 ગંભીર અને 325 મોટી ખામીઓ મળી આવી હતી.
રિપોર્ટ મુજબ, કંપની કોઈપણ સ્તરે GMP (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ) સિદ્ધાંતોનું પાલન કરી રહી ન હતી. કંપની કફ સિરપમાં ફાર્માસ્યુટિકલ-ગ્રેડ પ્રોપીલીન ગ્લાયકોલને બદલે નોન-ફાર્માસ્યુટિકલ-ગ્રેડ પ્રોપીલીન ગ્લાયકોલનો ઉપયોગ કરી રહી હતી. આ રસાયણ 50 કિલોના પેકમાં અલગ અલગ તારીખે ઇન્વોઇસ વિના ખરીદવામાં આવ્યું હતું. ચુકવણી રોકડમાં અથવા Google Pay દ્વારા કરવામાં આવી હતી.
તમિલનાડુ સરકારે ફેક્ટરી લાઇસન્સ સસ્પેન્ડ કર્યું
ખરીદેલા પ્રોપીલીન ગ્લાયકોલમાં 48.6% ડાયઇથિલિન ગ્લાયકોલ અને 48.6% ઇથિલિન ગ્લાયકોલ હોવાનું જાણવા મળ્યું, જે અત્યંત ઝેરી અને માનવો માટે સંભવિત ઘાતક છે. દવાઓ ગંદકી, કાદવ અને જંતુઓથી ભરેલા વાતાવરણમાં બનાવવામાં અને સંગ્રહિત કરવામાં આવી રહી હતી. ડ્રેનેજ સિસ્ટમ ન હોવાથી ઉંદરો અને જંતુઓ અંદર પ્રવેશી શકતા હતા. તમિલનાડુ સરકારે તાત્કાલિક અસરથી ફેક્ટરીનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.
પંજાબમાં કોલ્ડરિફ કફ સિરપ પર પ્રતિબંધ
પંજાબમાં કોલ્ડરિફ કફ સિરપ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં થયેલા મૃત્યુને ધ્યાનમાં રાખીને પંજાબના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટરે આ નિર્ણય લીધો છે. છિંદવાડામાં કફ સિરપ કેસના આરોપી ડૉ. પ્રવીણ સોનીને 9 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં કફ સિરપથી 21 મૃત્યુ થયા છે, જેમાં છિંદવાડામાં 18, બેતુલમાં બે અને પંધુર્નામાં એકનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં કફ સિરપથી ત્રણ મૃત્યુ પણ નોંધાયા છે.
કેરળે પણ કોલ્ડરિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો
કેરળે પણ કોલ્ડરિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના આરોગ્યમંત્રી વીના જ્યોર્જે મંગળવારે (7 ઓક્ટોબર, 2025) જણાવ્યું હતું કે કફ સિરપના સંચાલન અંગે રિપોર્ટ રજૂ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ખાતરી કરી રહ્યા છે કે આ કફ સિરપ ખાનગી હોસ્પિટલો અને ફાર્મસીઓમાં વેચવામાં ન આવે. તેમણે ઉમેર્યું, "અમે એન્ટિબાયોટિક્સ સાથે આ પહેલાથી જ કરી ચૂક્યા છીએ, અને રાજ્યમાં તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.
ઉત્તરપ્રદેશ સરકારે પણ કોલ્ડ્રિફ કફ સિરપ પર મૂક્યો પ્રતિબંધ
ઉત્તરપ્રદેશમાં કોલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણને રોકવા માટે ઉત્તરપ્રદેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કહ્યું, "ખૂબ જ દુઃખદ છે કે કફ સિરપના કારણે ઘણા બાળકોએ જીવ ગુમાવ્યા છે. અમારી સરકારે ક્યારેય આવી કફ સિરપ ખરીદી નથી."