COVID-19: શું 14 એપ્રિલ બાદ પણ રહેશે લોક ડાઉન? રાજ્યોની આ છે તૈયારી
નવી દિલ્હી, 6 એપ્રિલ 2020 સોમવાર
COVID-19 મહામારીનો ભરડો ભારતને પણ જકડી રહ્યો છે. સોમવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના 4,200થી વધારે મામલાઓ સામે આવ્યા છે.
આ ખતરનાક વાયરસ 100થી વધારે લોકોનો જીવ લઈ ચૂક્યો છે. વાયરસનું સંક્રમણ વધતું અટકાવવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.
બે અઠવાડિયા થવાના છે અને દેશમાં રોજ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. આ દરમિયાન કેટલાક સંકેત પણ મળ્યા છે કે 14 એપ્રિલના રોજ લૉકડાઉન પૂરું થઈ થઈ શકે છે.
જોકે, કેટલાક રાજ્યો લૉકડાઉન ચાલુ રાખવાનો પણ સંકેત આપી રહ્યાં છે. તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે લૉકડાઉનને બે અઠવાડિયા વધારવાનું સૂચન કર્યું છે.
તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે કોવિડ-19 સામે દેશનું એકમાત્ર હથિયાર લૉકડાઉન જ છે અને તેઓ પણ વડાપ્રધાનને આ સમયમર્યાદા વધારવાની અપીલ કરે છે. તેમણે કહ્યું કે, લોકોના જીવ બચાવવા માટે આવું કરવું જરુરી છે.
સીએમે કહ્યું કે,’હું દેશમાં લૉકડાઉનને 15 એપ્રીલ પછી પણ વધારવાના પક્ષમાં છું કારણકે આપણે આર્થિક સમસ્યાથી બહાર આવી શકીએ પરંતુ ગુમાવેલા જીવ ફરી આવવાના નથી.’ સીએમે કહ્યું કે તેઓ વડાપ્રધાનને વિનંતી કરે છે કે કોઈપણ જાતના ખચકાટ વગર લૉકડાઉન વધારવાનો નિર્ણય લે.
તેલંગાણા સીએમે સૂચન કર્યું કે 14 એપ્રિલ પછી, બે અઠવાડિયા સુધી લૉકડાઉન વધારવામાં આવે. તેમણે એક રિપોર્ટનો સંદર્ભ આપ્યો. જેમાં 3 જૂન સુધી લૉકડાઉનનું સૂચન કરવામાં આવ્યું હતું. જોકે, રાજ્યએ અત્યાર સુધીમાં કોઈ ઓફિશ્યિલ જાહેરાત નથી કરી. એવી અટકળો છે કે પંજાબ પણ લૉકડાઉન વધારવા અંગે નિર્ણય લઈ શકે છે.
દેશના સૌથી મોટા વિસ્તાર ઉત્તર પ્રદેશમાં પણ લૉકડાઉન ચાલુ રહી શકે છે. UP સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનીશ અવસ્થીએ કહ્યું છે કે, જો કોરોના વાયરસનો એકપણ કેસ ઉત્તરપ્રદેશમાં રહેશે તો લૉકડાઉન ખોલવામાં નહીં આવે.
લૉકડાઉનને લઈને કોઈ નિર્ણયનો ઈશારો વડાપ્રધાન મોદીએ પણ આપ્યો છે. સોમવારે કેબિનેટ મીટિંગ દરમિયાન તેમણે કેન્દ્રિય મંત્રીઓને એક પ્લાન તૈયાર કરવા માટે કહ્યું છે. લૉકડાઉન દરમિયાન તબક્કાવાર રીતે સરકારી ઓફિસ ખૂલી શકે છે.
જોકે, આવું કરવાનો પ્લાન તે જગ્યાએ જ હશે. જ્યાં કોરોનાના કેસ ઓછા હશે. પીએમે બીજેપી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત કરતા સમયે એ પણ કહ્યું કે કોરોના સામેની જંગ લાંબી ચાલવાની છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લૉકડાઉન વચ્ચે જરુરી વસ્તુઓની સપ્લાઈ લાઈન ચાલુ રાખવા માટે અને ઉપલબ્ધતા માટે માઈક્રો લેવલ પર પ્લાનિંગ કરવાની જરુર છે. તેમણે કેબિનેટ મીટિંગમાં એ પણ કહ્યું કે લૉકડાઉન પૂરું થયા પછી ઉત્પન્ન થયેલા હાલાત માટે રણનીતિ બનાવવાની જરુર છે.
ગત 24 કલાકમાં COVID-19ના 704 નવા કેસ સામે આવ્યા છે. હવે દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ સંખ્યા 4,281એ પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલના જણાવ્યાનુસાર હવે કોરોના વાયરસના 76 ટકા પુરુષ દર્દીઓ અને 24 ટકા દર્દીઓ મહિલાઓ છે.
ભારતમાં COVID-19થી અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. રવિવારે 30 લોકોના મોત થયા હતાં. 63 ટકા મૃત્યુ 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં જોવા મળ્યા છે. 30 ટકા મૃતકોની ઉંમર 40થી 60 વર્ષની વચ્ચે છે અને 7 ટકા પીડિત 40 વર્ષથી ઓછી ઉંમરના છે.