પહેલી મેથી 18+ ઉંમરના લોકોના વેક્સિનેશન પર ગ્રહણ, રાજ્યો પાસે નથી સ્ટોક
- કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે રાજ્ય સરકારો પાસે 1 કરોડથી વધુ વેક્સિન ઉપલબ્ધ
નવી દિલ્હી, તા. 28 એપ્રિલ, 2021, બુધવાર
કોરોનાના પ્રકોપને માત આપવા માટે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. પહેલી મેથી આ અભિયાનને નવી ગતિ મળી રહી છે. પહેલી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે વેક્સિનેશન ઓપન થઈ જશે. પરંતુ આ મિશન પર ગ્રહણ લાગી રહ્યાનું જણાઈ રહ્યું છે કારણ કે, અનેક રાજ્ય સરકારોએ તેમના પાસે પૂરતી સંખ્યામાં વેક્સિન ઉપલબ્ધ ન હોવાનું જાહેર કરેલું છે. આ સંજોગોમાં દરેક જગ્યાએ વેક્સિનેશન થાય તે અશક્ય છે. આ તરફ કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે રાજ્ય સરકારો પાસે 1 કરોડથી વધુ વેક્સિન ઉપલબ્ધ છે.
પહેલી મેથી શરૂ થનારા વેક્સિનેશનના નવા તબક્કાને લઈ કેન્દ્ર સરકારનું કહેવું છે કે, રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ 1 કરોડ વેક્સિન બચી છે. આ ઉપરાંત આગામી 3 દિવસમાં વધુ 80 લાખ ડોઝ પણ પહોંચી રહ્યા છે. ભારત સરકારે અત્યાર સુધીમાં રાજ્યોને 15.65 કરોડ વેક્સિન ફ્રીમાં ઉપલબ્ધ કરાવી છે.
કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યોએ કુલ 14.64 કરોડ ડોઝનો ઉપયોગ કર્યો છે. વેક્સિનેશનને લઈ કેન્દ્ર સરકારે રાજ્યોને ચિઠ્ઠી પણ લખી છે. આ ચિઠ્ઠીમાં કેન્દ્રએ કહ્યું છે કે, વેક્સિનના સ્ટોકનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે જેથી 18 વર્ષ કરતા વધારે ઉંમરના નાગરિકોને વેક્સિનનો નવો સપ્લાય મળી શકે.