હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન
- કોરોનાના નવા વોરીયેન્ટના પ્રવેશ પહેલા ભારતે સજાગ રહેવું પડશે
- કેસો વધવાનું કારણ નવો વેરિયન્ટ એલએફ-7 અને એનબી 1.8 : ભારતમાં 257 કેસ, હોંગકોંગમાં કેસમાં 30 ગણો વધારો, થાઇલેન્ડમાં 71,067 કેસ
નવી દિલ્હી : કોરોનાએ ફરીથી સળવળાટ કર્યો છે. એશિયામાં કોરોનાએ ફરીથી દેખા દેતા અને ઝડપી વૃદ્ધિ નોંધાવતા એશિયાઈ સરકારો ચિંતામાં પડી ગઈ છે. હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં ૩૦ ગણો વધારો થયો છે. આ વધારો પણ ફક્ત હોંગકોંગ પૂરતો જ સીમિત નથી. સિંગાપોરમાં પણ લગભગ એક અઠવાડિયામાં કોરોનાના કેસ ૩૦ ટકા વધ્યા છે. હોંગકોંગે ૧૦ મે ૨૦૨૫ના રોજ કોરોનાના કુલ ૧,૦૪૨ કેસ રિપોર્ટ કર્યા. ગયા સપ્તાહે આ આંકડો ૯૭૨ હતો. માર્ચના પ્રારંભમાં આ કેસ ફક્ત ૩૩ હતા. આમ માર્ચ પછી કેસ સતત વધી રહ્યા છે. અહીં સૌથી મોટી ચિંતાની વાત એ છે કે પોઝિટિવિટી સતત વધી રહી છે. પહેલી માર્ચે પૂરા થયેલા પોઝિટિવિટી રેટ ફક્ત ૦.૩૧ ટકા હતી, જે પાંચ એપ્રિલ સુધી ૫.૦૯ ટકા થઈ, જ્યારે ૧૦ મે સુધી પૂરા થયેલા સપ્તાહમાં વધીને ૧૩.૬૬ ટકા થઈ.
સિંગાપોરમાં કોરોનાના કેસ ૨૭મી એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ૧૧,૧૦૦ હતા. હવે તે ત્રણ અઠવાડિયામાં વધીને ૧૪,૨૦૦ થઈ ગયા. આમ એક અઠવાડિયામાં સીધો ૩૦ ટકા ઉછાળો જોવા મળ્યો. હોસ્પિટલમાં દરરોજે ભરતી થતાં દર્દીઓની સંખ્યા પ્રતિ દિન ૧૦૨થી વધીને ૧૩૩ થઈ. આ આંકડા સિંગાપુરના છે.
સરકારનું કહેવું છે કે કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા પાછળ ઘણા કારણ હોઈ શકે છે. તેમા વેક્સિનની કેળવાયેલી પ્રતિકારકતા ધીમે-ધીમે ખતમ થવી. હાલમાં સિંગાપોરમાં જે કોવિડ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે એલએફ-૭ અને એનબી ૧.૮ છે. બંને જેએન.૧ વેરિયન્ટની આગામી પેઢીના છે. અહીં ઉલ્લેખનીય છે કે જેએન-૧ વેરિયન્ટનો ઉપયોગ જ કોવિડ વેક્સીન બનાવવામાં થયો હતો. થાઇલેન્ડમાં પણ રજાઓ પછી કોરોનાના કેસ વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના ૭૧,૦૬૭ કેસ અને ૧૯ મોતનો રિપોર્ટ છે. ભારતમાં હજી સુધી સુધી આવો કોઈ ઉછાળો જોવા મળ્યો નથી. ભારતમાં ૧૦ મે સુધી કોરોનાના નોંધાયેલા દર્દીઓની સંખ્યા ૯૩ છે.
કોરોનાના બે નવા વાઇરસના લક્ષણો
એલએફ-૭ વેરિયન્ટ ચીનથી આવ્યો હતો અને તે ત્યાં ઝડપથી ફેલાવવા લાગ્યો હતો. આ વાઇરસ પણ ઓમિક્રોનના સબ વેરિયન્ટનો હિસ્સો છે અને અન્ય વાઇરસની તુલનાએ ઝડપથી ફેલાય છે. પ્રારંભિક અહેવાલ મુજબ આ વાઇરસ વેક્સિનથી બનેલી ઇમ્યુનિટીને આંશિક રીતે બાયપાસ કરી જાય છે.
તેના લક્ષણોમાં જોઈએ તો હળવો તાવ, સૂકી ખાંસી, ગળામાં ખારાશ, થાક, નાક બંધ રહેવું કે વહેવું તેનો સમાવેશ થાય છે. અન્ય વેરિયન્ટ એનબી-૧ અમેરિકા, યુરોપ અને એશિયાના કેટલાક હિસ્સામાં ફેલાઈ રહ્યો છે.
આ એક ઇમ્યુન એસ્કેપ વેરિયન્ટ છે. તે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને ચાતરી જવા સક્ષમ છે. તેના લક્ષણોમાં માથામાં જબરદસ્ત દુ:ખાવો, તાવ, સ્નાયુઓમાં દુ:ખાવો, ગળામાં ખારાશ અને લાંબા સમય સુધી ખાંસીનો સમાવેશ થાય છે.
શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ ફિલ્મ ઉદ્યોગમાં ચિંતા : કે.ઇ.એમ.મા બેનાં મોત
- લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ચિંતા કે ભયભીત થવું જરૂરી નથી
મુંબઈ : ૨૦૨૦માં દુનિયાભરમાં હાહાકાર મચાવનારી મહામારી કોરોનાનાકેસ મુંબઇમાં વધી રહ્યા હોવાના સમાચારો વચ્ચે બિગ બોસ ફેમ અભિનેત્રી શિલ્પા શિરોડકરે સોશ્યલ મિડિયા પર પોતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર ચાહકોને જણાવતાં લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કેઈએમ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને અત્યાર સુધીમાં કો મોર્બિડિટીના કારણે બેનાં મોત પણ થયાં છે.
શિલ્પાએ તેની પોસ્ટમાં તેના ચાહકોને જણાવ્યું છે કે નમસ્તે દોસ્તો, મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહેશો અને માસ્ક પહેરશો.
શિલ્પાની પોસ્ટ અંગે સોનાક્ષી સિંહાએ ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. તાજેતરમાં તેલુગુ ફિલ્મ 'જટાધારા' માં બંનેએ સાતે કામ કર્યું હોવાથી સોનાક્ષી વધારે ચિંતિત બની હોવાનું મનાય છે. તાજેતરમાં સિંગાપોરથી માંડી થાઇલેન્ડ સુધી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતાં લોકોમાં ફરી એકવાર ભય વ્યાપ્યો છે. ચીનમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા હોવાના અહેવાલો છે.
દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કે ઈ એમ હોસ્પિટલમાં કોવિડ-સંક્રમિત બે દર્દીઓ નાં કો મોર્બિડિટીના કારણે મોત થયાં બાદ તકેદારીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. આરોગ્ય ખાતાંના સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૫સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી હતી. જોકે, મે મહિનાથી, કેટલાક દર્દીઓ જોવા મળ્યા છે. બીએમસીની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે અલાયદા બેડ રાખવામાં આવ્યા છે.
કોવિડ-૧૯ હવે એક સ્થાનિક અને ચાલુ સ્વાસ્થ્ય સમસ્યા માનવામાં આવે છે. આ રોગનો વાયરસ સમુદાય સ્તરે સ્થિર થયો હોવાથી, કોવિડ રોગના બહુ ઓછા કેસ છૂટાછવાયા રીતે જોવા મળે છે.
ગુજરાતમાં કોરોનાના 7 એક્ટિવ કેસ : એક સપ્તાહમાં ૬નો વધારો
- કોરોનાએ ફરી દેખા દીધી : સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને
અમદાવાદ : દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ ૭ એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં ૬ નવા કેસ નોંધાયા છે.
દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ ૯૫ સાથે મોખરે, તામિલનાડુ ૬૬ સાથે બીજા, મહારાષ્ટ્ર ૫૬ સાથે ત્રીજા, કર્ણાટક ૧૩ સાથે ચોથા, પુડુચેરી ૧૦ સાથે પાંચમાં અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સમગ્ર દેશમાં હાલ ૨૫૭ એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાંથી ૧ દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦થી અત્યારસુધી ગુજરાતમાં કોવિડના ૧૨.૮૧ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કુલ ૧૧૧૦૧ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.