વિદ્યાર્થિની પર ગેંગરેપના આરોપીઓનું ફુલમાળાથી સ્વાગત કરાતા વિવાદ, ભાજપના IT સેલ સાથે જોડાયેલા હતા
- ગયા વર્ષે આઇઆઇટી બીએચયુના કેમ્પસમાં ગેંગરેપ થયો હતો
- જામીન પર છુટેલા બે આરોપીની ભાજપના ધારાસભ્ય સાથે કેક કાપતી તસવીર વાયરલ થતા અનેક અટકળો
વારાણસી: ઉત્તર પ્રદેશથી શરમજનક સમાચાર સામે આવ્યા છે, અહીંના વારાણસીની આઇઆઇટી બીએચયુની બીટેકની વિદ્યાર્થિની પર ગેંગરેપના ત્રણમાંથી બે આરોપીઓ જામીન પર છુટી ગયા છે. એટલુ જ નહીં આ આરોપીઓનુ છૂટયા બાદ ફુલ માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. દાવા મુજબ ઘટના સમયે તમામ આરોપીઓ કુણાલ પાંડે, અભિષેક ચૌહાણ, અક્ષમ પટેલમાંથી બે કથિત રીતે ભાજપના આઇટી સેલ સાથે જોડાયેલા હતા. બે આરોપીઓ કુણાલ પાંડે અને અભિષેક ચૌહાણને હાઇકોર્ટ દ્વારા જામીન મળી ગયા છે.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આઇઆઇટી બીએચયુના કેમ્પસમાં જ ગેંગરેપની ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડના આઠ જ મહિનામાં બે આરોપીઓ છુટી ગયા છે જ્યારે ત્રીજો આરોપી પણ ટૂંક સમયમાં છુટી જાય તેવી શક્યતાઓ છે. કુણાલ પાંડે ૨૪ ઓગસ્ટના જ્યારે અભિષેક ચૌહાણ ૨૯મી ઓગસ્ટના રોજ છુટી ગયા હતા. જે બાદ તેમના વિસ્તારમાં તેમનુ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય આરોપીઓએ ગુનાની કબુલાત પણ કરી લીધી છે.
આરોપીઓએ સ્વીકાર કર્યો હતો કે તેમણે ૨૦ વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ કર્યું અને બંદુકના નાળચે તેના કપડા ઉતરાવ્યા હતા અને તેનો વીડિયો પણ તૈયાર કર્યો હતો. ડીસીપી આર. એસ. ચૌહાણના જણાવ્યા મુજબ આરોપીઓ સામે એનએસએ, ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર એક્ટ અને એન્ટિ સોશિયલ એક્ટિવિટી પ્રિવેંશન એક્ટ હેઠળ પણ ગુના દાખલ કરાયા છે. બીજી તરફ જેલમાંથી છૂટેલા બન્ને આરોપીઓ વારાણસી કેંટના ભાજપના ધારાસભ્ય સૌરભ શ્રીવાસ્તવ સાથે કેક કાપતા જોવા મળ્યા હતા. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જે બાદ ભાજપના ધારાસભ્યએ સ્પષ્ટતા કરી હતી કે આ તસવીર પાંચ વર્ષ જુની છે.