ઘાટના વિકાસના કામ ચાલી રહ્યા છે
કોઇ મુર્તી તોડવામાં નથી આવી, સંજયસિંહ સહિતનાએ ફેક વીડિયો શેર કર્યો હોવાનો ફરિયાદમાં દાવો
કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મણિકર્ણિકા ઘાટ પર ખરેખર મૂર્તીઓ, અને મંદિર તોડવામાં આવ્યા છે. જેમની મૂર્તીઓ તોડવામાં આવી તેમાં રાણી અહિલ્યાબાઇ હોલ્કરનો પણ સમાવેશ થાય છે. ખંડિત મૂર્તીઓ અને કેટલાક ધાર્મિક સ્થળો પર ફરી રહેલા જેસીબી મશીનોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેને કેટલાક નેતાઓ દ્વારા પણ શેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વિવાદ થતા હવે પ્રશાસને દાવો કર્યો છે કે આ વીડિયો સાચા નથી, જ્યારે વારાણસી જિલ્લા પ્રશાસન દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ વિવાદ વચ્ચે વારાણસી પોલીસે આપના સાંસદ સંજયસિંહ, કોંગ્રેસના નેતા પપ્પુ યાદવ સહિત આઠ સામે એફઆઇઆર દાખલ કરી છે. ફરિયાદ દાખલ થયા બાદ આપના સંજયસિંહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા મત વિસ્તારમાં મણિકર્ણિકા ઘાટને વેર વિખેર કરી દેવામાં આવ્યું છે, મંદિરોને તોડવામાં આવ્યા, કાશી વિશ્વનાથ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવનારા માતા અહિલ્યાબાઇજીની મૂર્તી પણ તોડવામાં આવી હતી, જેનો વિરોધ ખુદ કાશીના સાધુ સંતો કરી રહ્યા છે. અહિલ્યાબાઇના પરિવારે, લોકસભાના પૂર્વ અધ્યક્ષ સમિત્રા મહાજને પણ વિરોધ કર્યો છે પરંતુ માત્ર મારી વિરુદ્ધ જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


