KKR and Bangladeshi Player Controversy : IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માં બાંગ્લાદેશી ખેલાડીને સામેલ કરવા મુદ્દે ટીમના માલિક અને બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન વિરુદ્ધ વિરોધ સતત વધી રહ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમના આક્રોશ બાદ હવે દેશના અગ્રણી ધર્મગુરુઓ અને કથાવાચકોએ પણ આ મુદ્દે શાહરૂખ ખાનનો વિરોધ ચાલુ કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરુખ ખાને ગયા મહિને અબુ ધાબીમાં યોજાયેલી આઈપીએલ ટીમોની મિની હરાજીમાં બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને રૂ. 9.20 કરોડમાં ખરીદ્યો હતો. મુસ્તફિઝુર રહેમાન એક ફાસ્ટ બોલર છે.
વાત એમ છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલી હિંસાની ઘટનાઓ બાદ ભારતમાં ભારે રોષ છે. બાંગ્લાદેશમાં 12 જ દિવસમાં 3 હિંદુની હત્યા થઈ ચૂકી છે. એટલું જ નહીં, અહીં હિંદુઓ પર જીવલેણ હુમલા પણ સતત ચાલુ છે. આ સ્થિતિમાં ભારતમાં અનેક સ્થળે બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
BCCI પણ આ વાત સમજેઃ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે કે, બાંગ્લાદેશમાં ક્યાંકને ક્યાંક એવી ઘટનાઓ બની રહી છે જે હિન્દુત્વ વિરુદ્ધ છે. ત્યાંના ખેલાડીઓએ પણ હિન્દુઓના રક્ષણ માટે બોલવું જોઈએ. આ અંગે BCCIએ પણ સમજવું જોઈએ. તેમણે યોગ્ય નિર્ણય લેવો જોઈએ, પરંતુ અમે કહીએ છીએ કે બાંગ્લાદેશી ક્રિકેટરોએ પણ હિંદુઓ વિરુદ્ધની હત્યાનો મુદ્દો ઉઠાવવો જોઈએ. ત્યાં રહેતા આપણા હિન્દુ ભાઈઓનું રક્ષણ થવું જ જોઈએ.’
ભારતીયોએ જ તમને હીરો બનાવ્યા છેઃ દેવકીનંદન ઠાકુર
બીજી તરફ, મુંબઈમાં શ્રીમદ્ ભાગવત કથા કરી રહેલા પ્રખ્યાત કથાવાચક દેવકીનંદન ઠાકુરે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ‘જ્યારે પાડોશી દેશમાં લઘુમતી હિન્દુઓ સાથે હિંસક વર્તન થઈ રહ્યું છે, ત્યારે બાંગ્લાદેશી ખેલાડીને ટીમમાં સામેલ કરવો ખોટો સંદેશ આપે છે. એ ભૂલશો નહીં કે આ જ ભારતીયોએ તમને સુપરસ્ટાર બનાવ્યા છે. જે હીરો બનાવી શકે છે, તે ઝીરો પણ બનાવી શકે છે. ટીવી સીરિયલમાં કામ કરીને તમે દિવસના રૂ. 500 કમાઈ લેતા હતા, પરંતુ હિંદુઓએ તમને ખૂબ જ પ્રેમ આપ્યો છે. ’
શાહરૂખનું વલણ હંમેશા દેશદ્રોહી જેવું રહ્યું છેઃ રામભદ્રાચાર્ય
નાગપુરમાં આધ્યાત્મિક ગુરુ જગતગુરુ રામભદ્રાચાર્યે શાહરુખ ખાનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. શાહરુખનું વલણ હંમેશાથી એક 'દેશદ્રોહી' જેવું રહ્યું છે.’ આ દરમિાયન તેમણે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા હુમલાની નિંદા કરીને ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકારે આવી ઘટનાઓને સહન ન કરવી જોઈએ.
દેશવાસીઓની લાગણી અને રાષ્ટ્રહિતનું સન્માન કરોઃ મહંત રવીન્દ્ર પુરી
આ મુદ્દે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું છે કે, ‘શાહરુખ ખાનને જે પણ નામ અને માન મળ્યું છે તે ભારતના લોકોના કારણે છે. તેમણે દેશવાસીઓની લાગણી અને રાષ્ટ્રહિતનું ધ્યાન રાખવું જોઈએ. દેશ વિરોધી વિચારધારા ધરાવતા દેશોના ખેલાડીઓને ટીમમાં પ્રાથમિકતા આપવી તે સ્વીકાર્ય જ નથી.’
ભાજપના નેતા સંગીત સોમે વિવાદનો મધપૂડો છંછેડ્યો
આ પહેલા મેરઠમાં અટલ સ્મૃતિ સંમેલનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમે કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે. બહેનો અને દીકરીઓ પર ખુલ્લેઆમ બળાત્કારો થઈ રહ્યા છે. આમ છતાં, ભારતમાં કેટલાક લોકો બાંગ્લાદેશી ક્રિકેટરો ખરીદી રહ્યા છે. શાહરૂખ ખાન જેવા દેશદ્રોહીએ બાંગ્લાદેશી ક્રિકેટર રહેમાનને 9.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, જે આ દેશ સહન નહીં કરે. પ્રજા તમને હીરોમાંથી ઝીરો બનાવી દેશે. કોઈ પણ બાંગ્લાદેશી ખેલાડીને ભારતમાં રમવાની મંજૂરી ન આપવી જોઈએ. જો શાહરૂખ ખાન તેને ટીમમાંથી દૂર નહીં કરે, તો હિન્દુઓએ કેકેઆરનો બહિષ્કાર કરવો જોઈએ.’
અન્ય નેતાઓ અને સંગઠનોનો પણ વિરોધ
અલીગઢના શાહી ચીફ મુફ્તી મૌલાના ચૌધરી ઈફરાહીમ હુસૈને કહ્યું કે ‘KKR ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીને સામેલ કરવાના નિર્ણયથી માનવતા શર્મસાર થઈ છે. કોઈપણ વ્યાવસાયિક કે રમતગમતનો સોદો નૈતિક કસોટી પર ખરો ઉતરવો જોઈએ.’ આ પહેલા બુધવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમે શાહરુખ ખાનને 'ગદ્દાર' કહ્યા હતા.
મહારાષ્ટ્ર લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાને પણ આ મામલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની વાત કરી છે. તેમણે કહ્યું, ‘મારો શાહરુખ ખાનને આગ્રહ છે કે, જો આપણા દેશના લોકો બાંગ્લાદેશમાં અન્યાયનો સામનો કરી રહ્યા હોય, તો આપણે તેમના ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ જેથી એક કડક સંદેશ જાય.’
KKR થી શાહરુખની અઢળક કમાણી
શાહરુખ ખાન માત્ર આઈપીએલ ટીમ KKR થકી કરોડોની કમાણી કરે છે. આ ટીમ દરેક સિઝનમાં અંદાજે રૂ. 150 થી 170 કરોડની કમાણી કરે છે. જો કે, ટીમમાં શાહરૂખ ખાનનો હિસ્સો 55% છે, જેના દ્વારા તે સીધો ₹80 કરોડથી વધુનો નફો મેળવે છે. આ સિવાય ટીવી ટેલિકાસ્ટ રાઈટ્સ, સ્પોન્સરશિપ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા KKRને વર્ષે રૂ. 250 થી 270 કરોડની કમાણી થાય છે.
અહેવાલો મુજબ, શાહરુખ ખાન પોતાની ટીમ પાછળ દર વર્ષે અંદાજે ₹100 કરોડનો ખર્ચ કરે છે. જેમાં ખેલાડીઓની ખરીદી, ટ્રેનિંગ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. ખર્ચ બાદ વધેલી રકમ શાહરુખ અને તેમના બિઝનેસ પાર્ટનર્સ વચ્ચે વહેંચવામાં આવે છે.
જો કે, હાલમાં ચાલી રહેલા વિરોધ અને સોશિયલ મીડિયા પર 'બૉયકોટ' ટ્રેન્ડને કારણે આ બિઝનેસ મોડલ પર કેવી અસર પડશે, તે જોવું રહ્યું.


