ડેપ્યુટી સ્પિકર હરિવંશના પુસ્તકમાં દાવો : તો અયોધ્યા વિવાદનું નિરાકરણ થઇ ગયું હોત...
- ચંદ્રશેખર વડા પ્રધાન હતા ત્યારે લગભગ નિરાકરણ થઇ જવામાં હતું
નવી દિલ્હી, તા.15 જુલાઇ 2019, સોમવાર
રાજ્યસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર હરિવંશે લખેલા એક પુસ્તકમાં એવો દાવો કરાયો હતો કે 1992ના ડિસેંબરની છઠ્ઠીએ કહેવાતી બાબરી મસ્જિક તોડી પડાઇ એના બે વર્ષ પહેલાં ચંદ્રશેખર વડા પ્રધાન હતા ત્યારે અયોધ્યા સમસ્યાનું નિરાકરણ હાથવેંતમાં હતું.
ચંદ્રશેખરઃ ધ લાસ્ટ આઇકન ઑફ આઇડિયોલોજિકલ પોલિટિક્સ નામે લખેલા પુસ્તકમાં હરિવંશે એવો દાવો કર્યો હતો કે ચંદ્રશેખરે ઉત્તર પ્રદેશના ટોચના નેતા મુલાયમ સિંઘ યાદવ, શરદ પવાર અને ભૈરોસિંઘ શેખાવતને સાથે રાખીને મુસ્લિમ નેતાઓ જોડે ચર્ચા વિચારણા કરીને અયોધ્યા મુદ્દે નિરાકરણ શોધી કાઢ્યું હતું. લોકનાયક જયપ્રકાશ નારાયણની નિકટ રહેલા સિનિયર પત્રકાર રામ બહાદૂર રાયને ટાંકીને આ પુસ્તકમાં જણાવાયું હતું કે ચંદ્રશેખર સરકાર એક વટહુકમ બહાર પાડીને અયોધ્યા વિવાદને હલ કરવાની તૈયારીમાં હતી.
ચંદ્રશેખર અયોધ્યા મુદ્દાને હલ કરશે તો એમનું પોલિટિકલ કદ વધી જશે એ જાણીને રાજીવ ગાંધી અને કોંગ્રેસ છાવણીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ હતી. કોંગ્રેસ પક્ષ ઇચ્છતો નહોતો કે અયોધ્યા વિવાદ હલ થાય એવું આ પુસ્તકમાં જણાવાયું હતું. પુસ્તકના લેખકોએ એવો દાવો કર્યો છે કે ચંદ્રશેખરે પોતે હિન્દુ અને મુસ્લિમ નેતાઓને મંત્રણાના ટેબલ પર એક કર્યા હતા અને સમાધાનકારી ફોર્મ્યુલા શોધી કાઢી હતી. કોંગ્રેસને એ વાત પચે એમ નહોતી એટલે રોડાં નાખ્યાં હતાં.
ચંદ્રશેખરના આ કાર્યમાં ઉત્તર પ્રદેશના ત્યારના મુખ્ય પ્રધાન મુલાયમ સિંઘ યાદવ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અને ચંદ્રશેખરના ખાસ દોસ્ત ભૈરોસિંઘ શેખાવત અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શરદ પવાર પણ સાથે હતા.