- કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવું જોઇએ : શશિ થરૂર
- ગાંધીના હત્યારા ગોડસેની વિચારધારામાંથી કોંગ્રેસને કંઇ શીખવાની જરૂર નથી : વખાણ બાદ હવે દિગ્વિજયે ટીકા કરી
- રાહુલે દિગ્વિજયને ઠપકો આપ્યો હોવાના અહેવાલ
નવી દિલ્હી: કોંગ્રેસના વરીષ્ઠ નેતા દિગ્વિજયસિંહે આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને વિવાદ છેડયો હતો, હવે આ મુદ્દે કોંગ્રેસમાં બે ફાટા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અન્ય વરીષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું છે કે તેઓ સંગઠનને મજબૂત બનાવવાની દિગ્વિજયસિંહની વાત સાથે સંમત છે. જ્યારે કોંગ્રેસના અન્ય એક નેતાએ સંઘને અલકાયદા સાથે સરખાવીને સવાલ કર્યો હતો કે અલકાયદાની રચના નફરત પર થઇ છે તેવા સંગઠન પાસેથી શીખવા જેવું શું હોય છે?
સૌથી પહેલા દિગ્વિજયસિંહે એક ટ્વીટ કરીને મોદી, અડવાણીની તસવીર જાહેર કરી હતી, સાથે જ કહ્યું હતું કે કેવી રીતે એક જમીન સાથે જોડાયેલા નેતા સીએમ અને બાદમાં પીએમ બને છે તે સંઘની સંગઠન શક્તિ દર્શાવે છે. દિગ્વિજયસિંહના નિવેદનને સમર્થન આપતા શશિ થરૂરે કહ્યું હતું કે સંગઠનને મજબૂત બનાવવું જ જોઇએ અને તેમાં કઇ ખોટું નથી. કોંગ્રેસની વર્કિંગ કમિટીની જે બેઠક મળી તેમાં શશિ થરૂર અને દિગ્વિજયસિંહ બન્ને એકબીજાની પાસે બેઠા હતા.
બીજી તરફ એવા અહેવાલો છે કે સંઘ અને મોદીના વખાણ બદલ રાહુલ ગાંધીએ દિગ્વિજયસિંહને મજાકમાં કહ્યું હતું કે કાલે તમે બદમાશી કરી નાખી. કોંગ્રેસના સ્થાપના દિવસે દિગ્વિજયસિંહ અને રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત થઇ હતી, જે દરમિયાન દિગ્વિજયસિંહના સંઘ અને મોદી અંગેના નિવેદનનો રાહુલે ઉલ્લેખ કર્યો હતો અને મજાકમાં જ કહ્યું હતું કે દિગ્વિજયસિંહ તમે બદમાશી કરી છે. આ મામલે ભારે વિવાદ વચ્ચે દિગ્વિજયસિંહે રવિવારે કહ્યું હતું કે હું સંઘનો ઘોર વિરોધી છું, ગાંધીજીના હત્યારા ગોડસેની વિચારધારામાં કોંગ્રેસ માટે શીખવા જેવુ કઇ જ નથી. હું ૫૦ વર્ષથી કોંગ્રેસમાં છું અને આ કોમવાદી તાકતો સામે લડતો આવ્યો છું.
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે ભાજપ દિગ્વિજયસિંહના નિવેદનને ખોટી રીતે રજુ કરી રહી છે. આરએસએસ પાસે શીખવા જેવુ કઇ જ નથી. જ્યારે કોંગ્રેસના વરીષ્ઠ નેતા ટીએસ સિંહે દિગ્વિજયના નિવેદનનો બચાવ કર્યો હતો તેમણે કહ્યું હતું કે દિગ્વિજયસિંહ સંઘની વિચારધારાના વિરોધી છે. વિચારધારા એક વસ્તુ છે અને કામ કરવાની રીત બીજી બાબત છે. જ્યારે કોંગ્રેસના નેતા મણિક્કમ ટાગોરે કહ્યું હતું કે સંઘ નફરતની વિચાધારા પર રચાયેલુ સંગઠન છે જે નફરત જ ફેલાવે છે. નફરત ફેલાવનારા પાસેથી શીખવા જેવું કઇ નથી હોતું, અલકાયદા પાસેથી તમે કઇ શીખી શકો? અલકાયદાની રચના પણ નફરત ફેલાવવા માટે જ થઇ હતી. બીજી તરફ કેરળમાં તિરુવનંતપુરમાં કોંગ્રેસની સ્થાપના દિનની ઉજવણી સમયે ખોટુ રાષ્ટ્રગીત ગાવા બદલ શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


