‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર
Congress Slam PM Modi : ચીનના પ્રવાસેથી પરત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદી ‘ડ્રેગન સામે ઝૂકી ગયા’ હોવાનું કહેવાય છે. વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ચીન અને પાકિસ્તાનની જુગલબંદી પર મોદીએ શા માટે ચૂપ હતા?
જયરામ રમેશે PM મોદી પર સાધ્યું નિશાન
કોંગ્રેસ નેતા જયરામ રમેશે(Jairam Ramesh) એક્સ પર એક લાંબી પોસ્ટ લખીને પીએમ મોદીની ટીકા કરી છે. તેમણે લખ્યું છે કે, ‘લાંબા સમયથી ભારત ચીન પર આતંકવાદના મુદ્દે બેવડાં ધોરણો અને બેવડી ભાષા અપનાવવાનો આરોપ મૂકતું આવ્યું છે. હવે મોદીએ જિનપિંગને કહ્યું કે ભારત અને ચીન બંને આતંકવાદનો શિકાર છે. જો આ કહેવાતા હાથીનું કહેવાતા ડ્રેગન સમક્ષ ઝૂકવું ન હોય, તો બીજું શું છે? આનાથી પણ વધુ રાષ્ટ્રવિરોધી વાત એ છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન મોદીએ જિનપિંગ સાથેની વાતચીતમાં ચીન-પાકિસ્તાનની જુગલબંદીનો એક પણ શબ્દ બોલ્યા ન હતા. જ્યારે આ વાત ભારતીય સેનાના ટોચના અધિકારીઓ દ્વારા જ જાહેર કરવામાં આવી હતી.’
‘વડાપ્રધાને રાષ્ટ્રીય હિતો સાથે દગો કર્યો’
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘સ્વયં-ઘોષિત 56 ઇંચની છાતીવાળા નેતા હવે સંપૂર્ણ ખુલ્લા પડી ગયા છે. 19 જૂન-2020માં ચીનને ક્લીન ચિટ આપીને મોદીએ રાષ્ટ્રીય હિતો સાથે દગો કર્યો હતો. હવે 31 ઑગસ્ટ 2025નો દિવસ, તિયાનજિનમાં તેમના કાયરતાપૂર્ણ અહંકાર માટે બદનામીના દિવસ તરીકે યાદ રહેશે.’
આ પણ વાંચો : 'ભારત સાથે રાજકારણ નહીં, વિશ્વાસનો સંબંધ', PM મોદી સાથેની બેઠકમાં પુતિનનું મોટું નિવેદન
SCOમાં PM મોદીની અનેક દેશોના વડાઓ સાથે ઉષ્માભરી મુલાકાત
ઉલ્લેખનીય છે કે, ચીનના તિયાનજિનમાં SCOની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન, નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, ઈજિપ્તના વડાપ્રધાન મોસ્તફા મદબૌલી, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમામોલી રહમોન, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કો સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીની તમામ નેતાઓ સાથે ઉત્સાહભેર મુલાકાત થતી જોવા મળી હતી.