Get The App

NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો 1 - image

Congress On GST Reforms: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)માં ઘટાડો કરવા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે વર્ષોથી રાહુલ ગાંધીની સલાહને અવગણી. સરકારે GST કાઉન્સિલને ઔપચારિકતા સુધી મર્યાદિત કરી દીધું છે. અંતે એનડીએએ રાહુલ ગાંધીની વાત સ્વીકારી પડી.

કોંગ્રેસે કહ્યું કે, અમે લાંબા સમયથી GST 2.0ની હિમાયત કરી રહ્યા છીએ, જેથી GST દર ઘટાડવામાં આવે, મોટા પાયે વપરાશમાં લેવાતાં માલ-સામાન પર જીએસટી ઘટાડવામાં આવે. કરચોરી અને ખોટી કેટેગરી સંબંધિત વિવાદો ઘટાડી શકાય. વધુમાં આઉટપુટ કરતાં ઇનપુટ પર વસૂલાતા વધુ પડતાં ટેક્સ નાબૂદ કરવાની પણ માગ કરી હતી. વધુમાં MSME પર નિયમોનો બોજ ઘટાડવા અને GSTનો વ્યાપ વધારવા ભલામણ કરી હતી. પરંતુ એનડીએ આ માગણીઓને અવગણી રહી હતી.



GST કાઉન્સિલની ભૂમિકા પર પ્રશ્ન

કોંગ્રેસના મુખ્ય સચિવ અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જીએસટી કાઉન્સિલની ભૂમિકા પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, બંધારણીય સંસ્થા GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીએ મોટી જાહેરાતો કરી હતી. પરંતુ આ બેઠક પહેલાં જ 15 ઑગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આના સંકેતો આપ્યા હતા. જેથી પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું જીએસટી કાઉન્સિલ માત્ર એક ઔપચારિકતા સુધી મર્યાદિત બન્યું છે. GST 1.0માં ઘણી ખામીઓ હતી અને કોંગ્રેસે 2017માં જ આ તરફ ધ્યાન દોર્યું હતું. પરંતુ સરકારે તેને અવગણ્યું. વડાપ્રધાને તેને સારો અને સરળ ટેક્સ ગણાવી વાહવાહી કરાવી. પરંતુ તે વૃદ્ધિને રુંધતો ટેક્સ બન્યો.

વડાપ્રધાને ડેડલાઇન નક્કી કરી હતી

આગળ જયરામ રમેશે કહ્યું કે, ગઈકાલે જ જીએસટી સુધારાની જાહેરાતો થઈ, કારણકે, વડાપ્રધાને પહેલાંથી જ પ્રી-દીવાળીની ડેડલાઇન નક્કી કરી લીધી હતી. માનીએ છીએ કે, આ ટેક્સ કાપનો લાભ ગ્રાહકો સુધી પહોંચશે. હજી જીએસટી 2.0ની રાહ જોઈ રહ્યા છીએ. શું આ નવો જીએસટી 1.5 ખાનગી રોકાણ ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપશે. હવે જોવાનું રહેશે કે, શું તે MSME પરનો બોજો ઘટાડશે? આનો જવાબ તો ફક્ત સમય જ આપશે.



કોંગ્રેસ નેતા પવન ખેડાએ જૂના ટ્વીટ રજૂ કર્યા

કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ આ ફેરફાર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે રાહુલ ગાંધીના 2016માં કરેલી ટ્વિટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, અંતે, જ્યારે તેમને રાહુલ ગાંધીની સલાહનું પાલન કરવું પડ્યું, શા માટે તેઓએ આટલી બધી રાહ જોઈ? ઉલ્લેખનીય છે, ગઈકાલે સરકારે જીએસટી સુધારા હેઠળ સ્લેબમાં ઘટાડો કર્યો છે. હવે માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબ લાગુ થશે. જેમાં ઘણી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પર જીએસટી ઝીરો કર્યા છે. આ ફેરફાર 22 સપ્ટેમ્બરે લાગુ થશે.

NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો 2 - image