કોંગ્રેસે શેર કર્યું 'મોદી ગાયબ'નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો 'સર તન સે જુદા'ની માનસિકતા
Congress Share PM Modi Picture Gayab: કોંગ્રેસે પહલગામ હુમલા અંગે એક તસવીર શેર કરી છે જેનાથી રાજકીય હોબાળો મચી ગયો છે. પાર્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટરમાં લખ્યું છે, 'જવાબદારીના સમયે- Gayab'. આ પોસ્ટ પર બીજેપીએ જવાબ આપ્યો હતો કે, 'કોંગ્રેસ સીધા પાકિસ્તાન પાસેથી આદેશ લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન ડીપસ્ટેટની આતંકની ટૂલકીટ બની ગઈ છે.'
કોંગ્રેસની ટ્વિટ પર અનુરાગ ઠાકરે આપી પ્રતિક્રિયા
આ મામલે ભાજપના સાંસદે અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'કોંગ્રેસ અને તેના નેતાઓની એવી શું મજબૂરી છે કે પાકિસ્તાનના પક્ષમાં બોલવું જરૂરી છે? તેઓ પાકિસ્તાનને કેમ ટેકો આપી રહ્યા છે? શું તેઓ ભારતીયોના વહેતા લોહીને જોઈને ગુસ્સે નથી થતા?'
ભાજપના સાંસદે આ અંગે વધુમાં કહ્યું કે, 'તેમના નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સૈફુદ્દીન સોઝે અમને કહ્યું હતું કે, પાકિસ્તાનનું સાંભળો અને પાકિસ્તાનને પાણી પૂરું પાડવાનું બંધ ન કરો. કોંગ્રેસ કોની સાથે ઊભી છે? ભારતની કે પાકિસ્તાનની? જ્યારે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરે છે, ત્યારે કોંગ્રેસ પ્રશ્નો ઊભા કરે છે. હવે કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો ખુલ્લો પડી ગયો છે.
અમિત માલવિયાએ પણ કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ
આ ઉપરાંત ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, 'કોંગ્રેસે જે રીતે 'સર તન સે જુદા'ની તસવીરનો ઉપયોગ કર્યો છે, તેમાં હવે કોઈ શંકા નથી કે આ માત્ર રાજકીય નિવેદન નથી. આ મુસ્લિમ વોટ બૅન્ક મેળવવાનો પ્રયત્ન છે. આ વડાપ્રધાન સામે છુપી ઉશ્કેરણી છે. આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસે આવી રણનીતિ અપનાવી હોય.'
કોંગ્રેસ કેટલી નીચે જશે?: કિરેન રિજિજુ
કોંગ્રેસની જવાબદારીના સમયે- Gayab વાળી પોસ્ટ પર અરુણાચલ પ્રદેશના સાંસદ અને સંસદીય બાબતોના મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, 'જ્યારે આપણા વડાપ્રધાન આતંકવાદ સામેની લડાઈનું મજબૂત નેતૃત્વ કરી રહ્યા છે, તો પછી કોંગ્રેસ પોતાના દેશના વડાપ્રધાન વિશે આટલી નીચી વિચારસરણી કેમ ધરાવે છે? કોંગ્રેસ કેટલી નીચે જશે?'