'કોંગ્રેસે પોતાના જ નિવેદનનું કર્યું ખંડન, હવે બધુ ઠીક છે', અલકા લાંબાના નિવેદન પર AAP મંત્રીએ કરી મોટી વાત
AAP મંત્રીએ કહ્યું કે મણિપુર એક ગંભીર અને સમગ્ર વિશ્વ માટે મોટો મુદ્દો છે
લોકશાહીને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે : AAP મંત્રી
Image : titter |
કોંગ્રેસ નેતા અલકા લાંબાએ દિલ્હીની સાત લોકસભા બેઠકો પર લોકસભા ચૂંટણી 2024 લડવા અંગે મોટો દાવો કર્યો હતો. અલકા લાંબાના આ વિરોધાભાસી નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે એકલા ચૂંટણી લડવી હોય તો ગઠબંધન INDIAનો અર્થ શું? હવે આ જ મુદ્દે મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે કોંગ્રેસે પોતે જ તેમના નિવેદનનું ખંડન કર્યું છે. હવે વાત પુરી થઈ ગઈ છે, બધું ઠીક છે. કોંગ્રેસે પોતાના પ્રવક્તા પર સ્પષ્ટતા આપતા મામલો સ્પષ્ટ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીને જે પણ કહેવું હશે તે ખુલ્લેઆમ કહેશે.
મણિપુર સમગ્ર વિશ્વ માટે મોટો મુદ્દો : સૌરભ ભારદ્વાજ
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે મણિપુર સમગ્ર વિશ્વ માટે મોટો મુદ્દો છે. મણિપુરમાં મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરવામાં આવી હતી. મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. ચોંકાવનારી અને ચિંતાજનક વાત એ છે કે મણિપુર પોલીસે જ પીડિત મહિલાઓને ટોળાના હવાલે કરી હતી. આ મામલો જ્યારે મીડિયામાં આવ્યો તો મીડિયાએ તેને ઉઠાવ્યો, સીએમ એન બિરેન સિંહે પોતે કહ્યું કે આવા સેંકડો કિસ્સાઓ ત્યાં સામે આવ્યા છે. આ કમનસીબ છે. મણિપુરમાં તોફાનીઓએ પોલીસ સ્ટેશનમાંથી હથિયારો લૂંટી લીધા. આ એક ભયાનક સ્થિતિ છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે દિલ્હી વિધાનસભામાં આ મુદ્દે ચર્ચામાં ભાગ લઈ શકે છે. આ એક ગંભીર મુદ્દો છે.
'લોકશાહી ખતમ કરવાનો પ્રયાસ'
કોંગ્રેસ સાથે ગઠબંધનની શરત પર દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે કહ્યું કે ગઈકાલની બેઠક બાદ કોંગ્રેસે પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. હાલમાં દેશની લોકશાહીને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. દેશની અંદર મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. જનતા ચિંતિત છે. આમાં પરિવર્તનની જરૂર છે. આ માટે સૌએ સાથે આવવાની જરૂર છે. આવી સ્થિતિમાં લોકોએ આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ.
જે નક્કી થયું તેના પર આગળ વધવાની જરૂર
અલકા લાંબાના નિવેદન પર ગોપાલ રાયે કહ્યું કે આગામી બેઠક પહેલા આવા નિવેદનોથી બચવાની જરૂર છે. બેંગ્લોરની બેઠકમાં જે બાબતો નક્કી કરવામાં આવી છે તે મુજબ કામ કરવું પડશે. કોંગ્રેસે ગઈ કાલે સત્તાવાર રીતે કહ્યું હતું કે દિલ્હીમાં આપેલા નિવેદનો અલકા લાંબાના અંગત નિવેદનો છે. જો બેંગ્લોરની બેઠક પ્રમાણે કોંગ્રેસનું સ્ટેન્ડ સ્પષ્ટ હશે તો અમે બેઠકનો ભાગ બનીશું. આગામી બેઠકમાં બેઠકોની વહેંચણી મહત્વનો મુદ્દો રહેશે. આ અંગે ચર્ચા થવી જોઈએ. સમગ્ર દેશ માટે ફોર્મ્યુલા તૈયાર કરવા માટે સમયની જરૂર છે. શું આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસ સાથે સીટ શેર માટે તૈયાર છે, તેના જવાબમાં તેમણે કહ્યું કે જે રસ્તો બનશે તે આખા દેશ માટે જ બનાવવામાં આવશે. તે મુજબ બાબતો નક્કી કરવામાં આવશે.