Bihar Election 2025: બિહારના કુટુમ્બામાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સેનાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય સેનામાં દેશની 10 ટકા વસ્તીનો કંટ્રોલ છે. તેને લઈને ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતાએ પોતાના નિવેદનમાં ખેડૂતો, શ્રમિકો અને ગરીબોની અવગણનાનો આરોપ લગાવ્યો.
'સેના પર 10 ટકા લોકોનો કંટ્રોલ'
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ધ્યાનથી જોઈએ તો 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અતિ પછાત અથવા અલ્પસંખ્યક સમુદાયોમાંથી છે. 500 સૌથી મોટી કંપનીઓની યાદી કાઢીએ તો તમને પછાત કે દલિત સમુદાયોમાં કોઈ પણ વ્યક્તિ નહીં મળે. તે તમામ ટોચ 10 ટકાથી આવે છે. તમામ નોકરીઓ તેમની પાસે જાય છે. સેના પર એ જ 10 ટકા લોકોનો કંટ્રોલ છે. તમને બાકીની 90 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ નહીં જોવા મળે.'
'નીતિશ કુમારે બિહારના લોકોને શ્રમિક બનાવી દીધા'
મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કરતાં કહ્યું કે, 'બિહારના લોકો સમગ્ર દેશમાં મજૂરી કરી રહ્યા છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં બિહારના લોકો મોટી-મોટી બિલ્ડિંગ્સ, રોડ, ટનલ, ફેક્ટરીઓ બનાવે છે. એટલે સત્ય એ જ છે કે નીતિશ કુમારે અહીંથી રોજગારી મીટાવીને બિહારના લોકોને દેશના શ્રમિક બનાવી દીધા છે. જેમ રિમોટથી ટીવી ચેનલ ચાલે છે એવી જ રીતે મોદી-શાહ મુખ્યમંત્રી નીતિશ કુમારની ચેનલ બદલે છે.'
રાહુલ ગાંધી સેના વિરોધી: ભાજપ
ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડેરીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે ભારતીય સેનાના વિરોધી ગણાવ્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'રાહુલ ગાંધી હવે આપણી સશસ્ત્ર સેનાઓને પણ જાતિના આધાર પર વહેંચવા માગે છે. ભારતીય સેના, નૌસેના અને વાયુ સેના, જાતિ, પંથ કે વર્ગના આધાર પર નથી, પરંતુ રાષ્ટ્ર પ્રથમ માટે ઊભી છે. રાહુલ ગાંધી આપણી બહાદુર સશસ્ત્ર સેનાઓથી નફરત કરે છે. તેઓ ભારતીય સેનાના વિરોધી છે.'


