PM-CM અને મંત્રીની ખુરશી છીનવતાં બિલ મામલે કેમ અસમંજસમાં પડી કોંગ્રેસ? અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલે ફસાવ્યા
PM-CM Bill News: સૌને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ ફરી એકવાર એકલી પડી રહી છે. 'ઇન્ડિયા' ગઠબંધન PM-CMને હટાવવા સંબંધિત બિલ પર વહેંચાઈ ગયું છે. ભ્રષ્ટાચારના આરોપોમાં 30 દિવસ સુધી જામીન વગર જેલમાં રહેલા પદાધિકારીઓને હટાવવાના બિલ પર ચર્ચા માટે બનનારી JPC(સંયુક્ત સંસદીય સમિતિ)માં જોડાવાને લઈને વિરોધ પક્ષો વચ્ચે મતભેદ ઊભો થયો છે.
વિપક્ષી એકતામાં તિરાડ?
JPC(સંયુક્ત સંસદીય સમિતિ)માં જોડાવાને લઈને 'ઇન્ડિયા' ગઠબંધનમાં વિરોધાભાસ ઊભો થયો છે, જેના કારણે વિપક્ષી એકતામાં તિરાડ પડી હોય તેવું લાગી રહ્યું છે. PM-CMને હટાવવા સંબંધિત બિલ પર ચર્ચા કરવા માટે રચાયેલી આ સમિતિથી સપા, ટીએમસી, આપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયે કોંગ્રેસને એકલી પાડી દીધી છે, કારણ કે તેમણે હજી સુધી JPCમાં સામેલ થવાનો સંકેત આપ્યો છે. આ સ્થિતિએ રાહુલ ગાંધીને ધર્મસંકટમાં મૂક્યા છે કે તેઓ એકલા JPCમાં જશે કે પછી અન્ય સાથી પક્ષોની જેમ અલગ રહેશે.
PM-CM બિલ શું છે?
સંસદમાં રજૂ થયેલા 130માં બંધારણીય સુધારા વિધેયક મુજબ, જો કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન પાંચ કે તેથી વધુ વર્ષની સજા થઈ શકે તેવા ગુનામાં સતત 30 દિવસ સુધી જેલમાં રહે, તો તેઓ આપોઆપ પદ પરથી બરતરફ થઈ જશે. જોકે, જેલમાંથી છૂટ્યા પછી તેઓ ફરીથી પદ પર પાછા આવી શકે છે.
આ વિધેયક 20મી ઑગસ્ટે લોકસભામાં રજૂ થયું હતું અને વિપક્ષી સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ સરકારે PM-CM વાળા બિલને 31 સભ્યોની JPC પાસે મોકલવાનો નિર્ણય કર્યો. JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થશે, પરંતુ તેનું ગઠન હજુ થયું નથી.
કયા પક્ષનું શું વલણ છે?
મમતા બેનર્જીની TMC: TMCએ પણ JPCથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. TMCનું કહેવું છે કે આ બિલ ભાજપનું 'રાજકીય ષડયંત્ર' છે, જે વિપક્ષને ફસાવવા અને ભ્રષ્ટાચારના મુદ્દે ગૂંચવવાનો પ્રયાસ છે. JPCમાં સામેલ થઈને TMC ભાજપની રમતનો ભાગ બનવા માંગતી નથી.
અખિલેશની સમાજવાદી પાર્ટી: સપાનું પણ એવું જ વલણ છે. અખિલેશ યાદવે આ બિલને 'સંઘીય માળખા પર હુમલો' ગણાવ્યો. અખિલેશે કહ્યું કે આ બિલ રાજ્યોની સ્વાયત્તતાને નબળી પાડશે. તેમનો નિર્ણય સ્વતંત્ર છે અને આ મામલે તેઓ કોંગ્રેસ સાથે નથી.
ઉદ્ધવ જૂથની શિવસેના: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ મમતા બેનર્જી અને અખિલેશ યાદવનો માર્ગ અપનાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'વિપક્ષી એકતા માત્ર ચૂંટણીઓ પૂરતી સીમિત ન હોવી જોઈએ, પરંતુ આ બિલ પર JPCમાં સામેલ થવાનો અર્થ ભાજપની રણનીતિને માન્યતા આપવા જેવું છે. અમે બહાર રહીને લોકો વચ્ચે આ મુદ્દો ઉઠાવીશું.' શિવસેનાના નેતા સંજય રાઉતનું માનવું છે કે JPCનો કોઈ મતલબ નથી.
આ પણ વાંચો: AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 ઠેકાણા પર EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં કાર્યવાહી
આમ આદમી પાર્ટી (AAP): અરવિંદ કેજરીવાલની AAPના સાંસદ સંજય સિંહે કહ્યું કે, 'અમારી પાર્ટી JPCમાં સામેલ નહીં થાય, કારણ કે આ બિલ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે નહીં, પરંતુ વિપક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે લાવવામાં આવ્યું છે.
RJD: લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD પણ આ મામલે JPCથી દૂર રહેવાનું વિચારી રહી છે.
જો કોંગ્રેસ એકલા હાથે JPCમાં સામેલ થશે તો 'ઇન્ડિયા' ગઠબંધનની એકતા નબળી પડશે
PM-CM બિલ પર JPCથી દૂર રહેવાના અખિલેશ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરેના નિર્ણયને કારણે કોંગ્રેસ મૂંઝવણમાં મૂકાઈ છે. રાહુલ ગાંધી JPCમાં જોડાવા ઇચ્છે છે, પરંતુ સાથી પક્ષોના વિરોધથી તેમના પર દબાણ વધ્યું છે. જો કોંગ્રેસ એકલા જશે, તો 'ઇન્ડિયા' ગઠબંધનની એકતા નબળી પડી શકે છે, જેનો ફાયદો ભાજપને મળી શકે છે. આ સ્થિતિ રાહુલ ગાંધી માટે પડકારરૂપ છે.