રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ચાલનાર કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહનું હાર્ટએટેકથી નિધન
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા રોકીને તરત જ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા
પંજાબના સીએમ ભગવંત માને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
જલંધર, 14 જાન્યુઆરી 2023 શનિવાર
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પંજાબમાંથી પસાર થઈ ને કાશ્મીરમાં શ્રીનગર પહોંચવાની છે. ત્યારે પંજાબમાં આજે મકરસક્રાંતિની વહેલી સવારે દુઃખદ ઘટના બની છે. યાત્રામાં રાહુલ ગાંધીની સાથે ચાલી રહેલા જલંધરના કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહને હાર્ટએટેક આવ્યો હતો જે પછી તેમને તાત્કાલિક લુધિયાણાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર વખતે તેમનું નિધન થતા રાહુલે ભારત જોડો યાત્રા અટકાવી દીધી હતી. તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા.રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા રોકી અને તરત જ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા.
પંજાબના CM ભગવંત માને શ્રદ્ધાંજલિ આપી
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલમાં પંજાબમાં ચાલી રહી છે અને અહીં સાંસદ સંતોખ સિંહ તેમની સાથે જોડાયા હતા પરંતુ ઉત્તરાયણની વહેલી સવારે રાહુલ સાથે યાત્રામાં ચાલી રહ્યાં હતા તે વખતે સાંસદ સંતોખ સિંહના હૃદયના ધબકારા વધી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા જ્યાં તેમનું નિધન થયું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ટ્વિટ કરીને સંતોખ સિંહના નિધનના સમાચાર આપ્યાં હતા. તેમણે કહ્યું કે જલંધરથી કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું અકાળે અવસાન થયું છે. તેમના અવસાનથી હું શોકની લાગણી અનુભવુ છું. ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.