કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું 'રમકડું'! ભાજપે કહ્યું- 'વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું'
Ajay Rai on Rafale : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઈને વિપક્ષ સરકારને અનેક સવાલો કરી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે એક રમકડાનું વિમાન બતાવ્યું અને તેના પર રાફેલ લખેલું હતું. આમ કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલ ફાયટર વિમાનને રમકડું બતાવીને મજાક ઉડાવી હતી અને તેના પર લીંબુ-મરચાં લટકાવીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. પહલગામ આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસ નેતાએ કરેલી કટાક્ષનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
કોંગ્રેસના નેતાએ શું કહ્યું?
અજય રાયે કહ્યું હતું કે, 'દેશમાં આતંકવાદી પ્રવૃત્તિએ વધી ગઈ છે અને સામાન્ય જનતા તેના પરેશાન છે. પહલગામ હુમલામાં નિર્દોષના મોત થયા, પરંતુ આ સરકાર આતંકીઓને ઠાર કરી દેવાની મોટી-મોટી વાતો કરે છે. રાફેલ લાવ્યા, પણ તે હેન્ગરમાં છે અને તેમાં લીંબુ-મરચાં લટકેલા છે. આ લીંબુ-મરચાં દેશના રક્ષા મંત્રીએ બાંધ્યા છે. આતંકવાદીઓ અને સમર્થકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? આયાત અને નિકાસ બંધ થવાથી કોને ફાયદો થઈ રહ્યો છે અને કોને નુકસાન થઈ રહ્યું છે તે દરેક વ્યક્તિએ શોધવું જોઈએ.'
જ્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના નિવેદનથી યુપી નહીં પરંતુ દેશભરમાં રાજકીય હલચલ વધી છે. જેમાં ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ નેતા અજય રાય પર સેના પર મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો હતો અને આ બાબતને કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતાનો ભાગ ગણાવ્યો હતો.
ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાની આતંકવાદી સંગઠનની સત્તાવાર પ્રવક્તા બની ગઈ છે. આપણે એક પેટર્ન જોઈ શકીએ છીએ કે જ્યારે પણ રાહુલ ગાંધી આગળ આવે છે અને કહે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને સંપૂર્ણ સમર્થન આપે છે, કે તેઓ પાકિસ્તાની આતંકવાદી સામે કાર્યવાહી કરે છે તો 24 કલાકથી ઓછા સમયમાં કોઈ કોંગ્રેસી નેતા આગળ આવે છે અને પાકિસ્તાનના સમર્થનમાં બોલે છે. 24 કલાક પહેલા ચરણજીત સિંહ ચન્ની સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગી રહ્યા હતા. તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું. પછી 24 કલાકથી ઓછા સમયમાં યુપી કોંગ્રેસ પ્રમુખ આપણા સશસ્ત્ર દળોની મજાક ઉડાવે છે અને રમકડાનું વિમાન બતાવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં પાકિસ્તાની પ્રચાર પર પ્રતિબંધ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તાવાર રીતે પાકિસ્તાની આતંકવાદનો ડીપ સ્ટેટ પ્રચાર કરે છે.'