India

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ!

By GS TEAM
13 Feb 20262 mins read
TukuTouch Logo
ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે નિવેદન આપ્યું હતું કે, આ બિલ મજૂર વિરોધી હોવા છતાં વિરોધ પક્ષો તેને ટેકો આપવા માટે મજબૂર છે. જોકે, તેમના આ નિવેદનની થોડી જ મિનિટોમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ વાતનું ખંડન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ!

Clash Between Kharge And Jairam Ramesh : સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાઓ જ સામસામે આવી જતા અસહજ સ્થિતિ સર્જાઈ હતી. 'ઔદ્યોગિક સંબંધ સંહિતા (સુધારા) વિધેયક' પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને જયરામ રમેશ જાહેરમાં એકબીજાના મંતવ્યો સાથે અસંમત જણાતા વિપક્ષની વ્યૂહરચના પર સવાલો ઉભા થયા છે.

કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે મતભેદ

ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે નિવેદન આપ્યું હતું કે, આ બિલ મજૂર વિરોધી હોવા છતાં વિરોધ પક્ષો તેને ટેકો આપવા માટે મજબૂર છે. જોકે, તેમના આ નિવેદનની થોડી જ મિનિટોમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ વાતનું ખંડન કર્યું હતું. ખડગેએ સ્પષ્ટ જણાવ્યું કે, "વિપક્ષ આ બિલનું ક્યારેય સમર્થન કરી શકે નહીં." આ ઉગ્ર વલણ બાદ વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 

સરકાર તરફથી મનસુખ માંડવિયાની સ્પષ્ટતા

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ વિપક્ષના આરોપોને નકારતા જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયક દ્વારા કાયદામાં કોઈ પાયાનો ફેરફાર કરવામાં નથી આવ્યો, માત્ર જૂના ત્રણ કાયદાઓને પાછા ખેંચવાની જોગવાઈ ઉમેરવામાં આવી છે. કામના કલાકો 8 થી વધારીને 12 કરવાના આરોપ પર તેમણે સ્પષ્ટતા કરી કે, નવી સંહિતા મુજબ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ ન લેવાની જોગવાઈ છે, જે વૈશ્વિક શ્રમ સંગઠન (ILO) ના નિયમો મુજબ છે. લઘુત્તમ વેતનને હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જે અગાઉ માત્ર એક નિર્દેશ હતો.

કેરળમાં દુશ્મની, દિલ્હીમાં દોસ્તી: સોનિયા ગાંધીનું આશ્ચર્યજનક વલણ

ગુરુવારે સંસદમાં એક દ્રશ્ય એવું પણ જોવા મળ્યું જેણે બધાને ચોંકાવી દીધા. એક તરફ કેરળની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ડાબેરી પક્ષો (લેફ્ટ) વચ્ચે જંગ જામ્યો છે, ત્યારે બીજી તરફ સંસદમાં બંને એકજૂથ દેખાયા.

ડાબેરીઓને ટેકો

CPI(M) ના સાંસદ જોન બ્રિટાસે જ્યારે નવા શ્રમ કાયદાઓ વિરુદ્ધ દેશવ્યાપી હડતાળનો મુદ્દો 'શૂન્યકાળ' (Zero Hour) માં ઉઠાવ્યો, ત્યારે તેમને કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીનો સાથ મળ્યો. સોનિયા ગાંધી સામાન્ય રીતે શૂન્યકાળના મુદ્દાઓ પર હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ તેમણે બ્રિટાસના પ્રસ્તાવ પર સહી કરીને પોતાનું સમર્થન જાહેર કર્યું. સોનિયા ગાંધીના આ પગલાથી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના અન્ય સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટનાક્રમ દર્શાવે છે કે વિપક્ષી ગઠબંધન ભલે આંતરિક રીતે મતભેદોનો સામનો કરી રહ્યું હોય, પરંતુ મોટા મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે તેઓ નવા સમીકરણો બનાવી રહ્યા છે.