Congress On PMKVY Scam : કોંગ્રેસે મોદી સરકારની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા કન્નન ગોપીનાથને સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, 'આ લોકો (BJP) કૌભાંડ કરવામાં એટલાં કુશળ થઈ ગયા છે કે તેઓ હવે 31 ફેબ્રુઆરીએ પણ તાલીમ આપી રહ્યા છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CAGનો રિપોર્ટમાં વર્ષ 2015થી 2022 સુધીના PMKVY યોજનાના પરફોર્મન્સ અંગેની જાણકારી આપવામાં આવી છે.
સરકારે જેમને રૂ. 10 હજાર કરોડ આપ્યા તેમાં 94 ટકા ખાતા નકલી!
આ રિપોર્ટમાં PMKVY માં મોટાપાયે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન નામનો એક પ્રોગ્રામ હતો, જેનું મોદી સરકારે નામ બદલીને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે કે PMKVY રાખ્યું. સરકારે આ યોજના માટે 7 વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયા વિતરણ કર્યું, જેમાં 94.53 ટકા લાભાર્થીઓના બેંક ખાતા નકલી હોવાનું સામે આવ્યું છે.
61 લાખ ટ્રેનર્સની અધૂરી માહિતી
આશરે 61 લાખ ટ્રેનર્સ વિશે અધૂરી માહિતી પૂરી પાડવામાં આવી છે. PMKVY હેઠળ તાલીમ પૂર્ણ થઈ છે કે નહીં તે ચકાસવા માટે મૂલ્યાંકનકારો જવાબદાર છે, પરંતુ આમાંથી 97 ટકા મૂલ્યાંકનકારો વિશેની કોઈ માહિતી નથી. તાલીમ પૂર્ણ કરનારાઓ પાસેથી ઇમેઇલ અને મોબાઇલ નંબર એકત્રિત કરવામાં આવે છે. જેમાં આશરે 1 લાખ ઇમેઇલ એકત્રિત કરવામાં આવ્યા હતા, અને તે જ ઇમેઇલનો ઉપયોગ 1 કરોડ લોકો માટે કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતાએ શું કહ્યું?
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'નીલિમાં મૂવિંગ પિક્ચર્સ નામની કંપનીએ PMKVY હેઠળ 33 હજાર લોકોને ટ્રેનિંગ આપી છે, પરંતુ આ કંપનીએ છેલ્લા 5-6 વર્ષથી બંધ છે. ટ્રેનિંગના ભાગરૂપે એક જ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને જુદા-જુદા જગ્યાએ તેનો ઉપયોગ કરીને ટ્રેનિંગ અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જયપુર કલ્ચરલ સોસાયટી નામના ટ્રેનિંગ પાર્ટનરે જણાવ્યું હતું કે, તેઓએ 31 ફેબ્રુઆરીના રોજ ટ્રેનિંગનું આયોજન કર્યું હતું.'
7 વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ
કન્નન ગોપીનાથને વધુમાં કહ્યું કે, 'આ લોકો સ્કેમ કરવામાં એટલા હોશિયાર થઈ ગયા છે કે હવે 31 ફેબ્રુઆરીના દિવસે પણ ટ્રેનિંગ યોજી રહ્યા છે. છેલ્લા 7 વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયા એવા લોકોમાં વિતરણ કર્યા છે કે, જેમના ન ફોન નંબર છે અને ન તો સાચા ઈમેઈલ એડ્રેસ. PMKVY હેઠળ ટ્રેનિંગ પાર્ટનર્સના એનરોલમેન્ટ, સર્ટિફિકેશન અને પ્લેસમેન્ટના સમયે પૈસા આપવામાં આવે છે.'
આ પણ વાંચો: 'હું મુંબઈ આવું છું, હિંમત હોય તો...', રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈની MNSને ચેલેન્જ
ઉચ્ચ સ્તરીય તપાસની કોંગ્રેસની માગ
આ ઉપરાંત, જ્યારે કેરળની એક કંપનીમાં ઓડિટ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કોઈ પ્લેસમેન્ટ કરવામાં આવ્યું નથી. PMKVYના દરેક સ્તરે ટ્રેનિંગથી લઈને રજિસ્ટ્રેશન, સર્ટિફિકેટ અને પ્લેસમેન્ટ સુધી ભ્રષ્ટાચાર થયો છે. આ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ મામલે કોંગ્રેસ નેતાએ ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.


