કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસનુ ગઠબંધન ભંગાણના આરે, દેવગૌડાએ કહ્યુ કે ફરી ચૂંટણી નક્કી છે
બેંગલોર, તા.21 જૂન 2019, શુક્રવાર
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસનુ ગઠબંધન હવે ભંગાણના આરે હોય તેવા સંકેતો મળી રહ્યા છે.
લાંબા સમયથી બંને પાર્ટીઓ વચ્ચેના મતભેદો હવે ચરમસીમાએ પહોંચ્યા હોય તેવુ લાગે છે. જેડીએસના સુપ્રીમો અને મુખ્યમંત્રી કુમાર સ્વામીના પિતા એચ ડી દેવગૌડાએ ધમકી આપતા કહ્યુ છે કે, કર્ણાટકમાં ફરી ચૂંટણી નિશ્ચિત છે.
આ નિવેદન બાદ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. હવે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન સરકાર પર ખતરો મંડરાઈ રહ્યો છે.
દેવ ગૌડાએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, હું તો પહેલેથી જ આ ગઠબંધનના પક્ષમાં નહોતો. સોનિયા ગાંધીએ મને વિનંતી કરી હતી અને તેના કારણે જ મેં ગઠબંધન સરકાર માટે હા પાડી હતી.
બંને પાર્ટીઓ વચ્ચેના મતભેદ લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ વધારે ઉગ્ર બન્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ સિધ્ધારમૈયાએ પાર્ટી હાઈકમાન્ડને તાજેતરમાં જ સલાહ આપી હતી કે, જેડીએસ સાથેનુ જોડાણ ખતમ કરી દેવુ જોઈએ.
જેના જવાબમાં દેવ ગૌડાએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ છે કે, કોઈ શંકા નથી કે મધ્યસ્થ ચૂંટણી થવા જઈ રહી છે. કોંગ્રેસે વચન આપ્યુ હતુ કે, પાંચ વર્ષ સમર્થન આપીશું પણ તમે તેનો વ્યવહાર જોઈ શકો છે.
દેવગૌડાએ તો રાહુલ ગાંધીને પણ કહ્યુ હતુ કે, મને બહુ દુખ થઈ રહ્યુ છે. હું પહેલી વખત તમને આ બાબતે કહી રહ્યો છું. તમે કોઈ નિર્ણય કરો અને કર્ણાટકમાં તમારા નેતાઓને કહો કે, સરકારના વિરોધમાં જાહેરમાં નિવેદનો ના કરે.