Get The App

'પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે', કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
Imran Masood on Priyanka Gandhi


Imran Masood on Priyanka Gandhi: કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે આજે વાયનાડના સાંસદ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના વખાણ કર્યા હતા. મસૂદે પ્રિયંકા ગાંધીની તુલના તેમના દાદી અને પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી સાથે કરતાં જણાવ્યું કે, 'જો પ્રિયંકા ગાંધી પીએમ બને તો તે ઇન્દિરા ગાંધીની જેમ જ જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે.'

નામ પાછળ ગાંધી લાગેલું છે, લોહીમાં ઇન્દિરાના ગુણો છે

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ઇમરાન મસૂદે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, શું પ્રિયંકા ગાંધી અત્યારે વડાપ્રધાન છે? એકવાર તેમને વડાપ્રધાન બનાવીને તો જુઓ, પછી ખબર પડશે કે તેઓ ઇન્દિરા ગાંધીની જેમ કેવો(જડબાતોડ) જવાબ આપે છે. તેઓ પ્રિયંકા ગાંધી છે, તેમના નામ પાછળ 'ગાંધી' લાગે છે. તેઓ ઇન્દિરા ગાંધીના પૌત્રી છે, જેમણે પાકિસ્તાનને એવો જખમ આપ્યો હતો કે જેનો પીડા આજે પણ પાકિસ્તાન અનુભવે છે. તેમને PM બનાવો પછી જોજો કે તેઓ કેવો વળતો જવાબ આપે છે. તમારામાં તો આવું કરવાની હિંમત પણ નહીં હોય.'

મસૂદે વધુમાં એમ પણ કહ્યું કે, 'બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાના મુદ્દે સૌથી પહેલા પ્રિયંકા ગાંધીએ જ અવાજ ઉઠાવ્યો હતો. ભાજપના એ આરોપો સાવ ખોટા છે કે પ્રિયંકા ગાંધી માત્ર ગાઝા જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર જ બોલે છે અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પર ચૂપ રહે છે.'

શું હતી બાંગ્લાદેશની એ ઘટના?

તાજેતરમાં બાંગ્લાદેશના મયમનસિંઘ જિલ્લામાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. કથિત ઈશનિંદાના(કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ધર્મ, દેવી-દેવતા, પવિત્ર ગ્રંથો અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવું અથવા તેના વિશે અપશબ્દો બોલવા) આરોપમાં ટોળા દ્વારા તેને ફટકારીને મારી નાખ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને ઝાડ પર લટકાવી સળગાવી દીધો હતો. આ ઘટના બાદ પ્રિયંકા ગાંધીએ 'X' પર પોસ્ટ કરી લખ્યું હતું કે, 'ભારત સરકારે પાડોશી દેશમાં લઘુમતીઓ વિરુદ્ધ થતી હિંસાનો મુદ્દો બાંગ્લાદેશ સરકાર સામે મક્કમતાથી ઉઠાવવો જોઈએ.'

બાંગ્લાદેશ હિંસા પર પ્રિયંકા ગાંધીનું વલણ

'X' પર એક પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, 'બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળા દ્વારા કરાયેલી ક્રૂર હત્યાના સમાચાર અત્યંત ચિંતાજનક છે. કોઈપણ સભ્ય સમાજમાં ધર્મ, જાતિ કે ઓળખના આધારે થતો ભેદભાવ, હિંસા અને હત્યા એ માનવતા વિરુદ્ધનો અપરાધ છે. ભારત સરકારે પાડોશી દેશમાં હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ લઘુમતીઓ સામે વધી રહેલી હિંસાની નોંધ લેવી જોઈએ અને બાંગ્લાદેશ સરકાર સમક્ષ તેમની સુરક્ષાનો મુદ્દો મક્કમતાથી ઉઠાવવો જોઈએ.'

આ પણ વાંચો: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટે આપી રાહત, સજા પર લગાવી રોક, જામીન પણ મંજૂર

મસૂદના નિવેદનથી કોંગ્રેસના નેતૃત્વ અંગે નવા સમીકરણો

ઈમરાન મસૂદના આ નિવેદન બાદ રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે. એકતરફ કોંગ્રેસ પરંપરાગત રીતે રાહુલ ગાંધીને મુખ્ય ચહેરો માને છે, ત્યારે પક્ષની અંદરથી જ પ્રિયંકા ગાંધીને PM પદના ચહેરા તરીકે રજૂ કરવાની માંગ ઉઠતા નવા સમીકરણો સર્જાઈ શકે છે.

'પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે', કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન 2 - image