Congress CWC Meeting: કોંગ્રેસનો સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની શનિવારે (27 ડિસેમ્બર, 2025) બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર સહિત કોંગ્રેસમાં લગભગ તમામ દિગ્ગજ સામેલ થયા હતા. શશિ થરુર પણ આ બેઠકમાં સામેલ થયા. ત્યારે હવે કોંગ્રેસ મનરેગા (MGNREGA) નું નામ VB- જી રામ જી કરવાને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 5 જાન્યુઆરીથી તેના વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવશે. આ માહિતી શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી હતી.
મનરેગા મામલે શું બોલ્યા રાહુલ ગાંધી?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મનરેગા માત્ર યોજના નહીં, આ અધિકારોનો સિદ્ધાંત હતો. એટલે તેનાથી દેશના કરોડો લોકોને લઘુતમ વેતન મળતું હતું. મનરેગા બંધ કરવી ડાયરેક્ટ રાઇડ બેઝ્ડના કોન્સેપ્ટ પર આક્રમણ છે. આ જે પૈસા લેવાઈ રહ્યા છે, તે રાજ્યો પાસેથી છીનવીને કેન્દ્ર સરકાર લઈ રહી છે. આ પાવર ઓફ ફાઇનાન્સ કોન્ટ્રાક્ટ છે. આ નિર્ણય સીધા વડાપ્રધાન હાઉસથી લેવાયો છે.'
મનરેગાને ખતમ કરવા વિરુદ્ધ દેશવ્યાપી અભિયાનની જરૂર: ખડગે
આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા વિરુદ્ધ દેશવ્યાપી અભિયાનની જરૂરિયાત છે.' મલ્લિકાર્જુન ખડગેએ CWC બેઠકમાં મોદી સરકાર દ્વારા મનરેગાને ખતમ કરીને ગરીબો પર 'ક્રૂર પ્રહાર' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, 'આ લોકશાહી, બંધારણ અને નાગરિક અધિકારો પર ગંભીર સંકટ છે. ખડગેએ મનરેગાને મહાત્મા ગાંધીના સર્વોદય વિચાર વિરુદ્ધ ગણાવ્યું છે. બેઠકમાં નક્કી કરાયું છે કે 5 જાન્યુઆરીથી મનરેગા બચાવો અભિયાનની શરૂઆત કરાશે.'
મનરેગા અધ્યયન વગર સમાપ્ત કરી દેવાયું: ખડગે
બેઠકને સંબોધિત કરતા ખડગેએ કહ્યું કે, 'મનરેગા UPA સરકારની એક દૂરદર્શી યોજના હતી, જેના વખાણ સંપૂર્ણ દુનિયામાં થયા. આ યોજનાના પ્રભાવના કારણે જ તેનું નામ મહાત્મા ગાંધીના નામ પર રખાયું હતું. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે વગર કોઈ અધ્યયન, મૂલ્યાંકન કે રાજ્યો અને રાજકીય પક્ષો સાથે ચર્ચા વગર આ કાયદાને નાબૂદ કરી દીધો.'
મનરેગા ખતમ કરવા મહત્મા ગાંધીનું અપમાન: સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કહ્યું કે, 'મનરેગાને સમાપ્ત કરવો એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે. હવે પહેલાથી વધુ જરૂરી છે કે આપણે એકજુટ થઈએ અને તે અધિકારોની રક્ષા કરીએ. મોદી સરકારને ગરીબોની ચિંતા નથી, પરંતુ અમુક ધનવાનોના ફાયદાની જ ચિંતા છે.'
બેઠકમાં કોણ કોણ રહ્યું ઉપસ્થિત?
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શશિ થરુર પણ સામેલ થયા, જ્યારે તેઓ ગત 2 બેઠકોમાં નહોતા આવ્યા. આ બિહાર ચૂંટણીમાં હાર બાદ CWCની પહેલી બેઠક છે, જેમાં કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને PCC અધ્યક્ષ સામેલ થયા.


