Get The App

કોંગ્રેસમાં 75 વર્ષમાં ચોથી વાર ચૂંટણી સ્પર્ધા થશે : 24 વર્ષ પછી ગેર ગાંધી પ્રમુખ બનશે

Updated: Sep 26th, 2022

GS TEAM


Google News
Google News
કોંગ્રેસમાં 75 વર્ષમાં ચોથી વાર ચૂંટણી સ્પર્ધા થશે : 24 વર્ષ પછી ગેર ગાંધી પ્રમુખ બનશે 1 - image


- કોંગ્રેસ એક માત્ર તેવો પક્ષ છે કે જ્યાં ચૂંટણીઓ લોકતાંત્રિક અને પારદર્શક હોય છે : જયરામ રમેશ

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખપદ માટે આ વર્ષે ચૂંટણી યોજાવાની પ્રબળ સંભાવના છે. સ્વતંત્ર ભારતમાં ચોથી વાર તેવું બનશે કે આ 'ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી'ના પ્રમુખપદ માટે ચૂંટણી યોજાશે. સાથે તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ ચૂંટણીમાંથી ગાંધી કુટુમ્બ બહાર રહેશે તેથી ૨૪ વર્ષ પછી તેવું બનશે કે કોંગ્રેસ પ્રમુખપદે ગાંધી પરિવારના કોઈ સભ્ય સિવાયની વ્યક્તિ પ્રમુખપદે આવશે.

આ વખતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે કેરલના અગ્રીમ નેતા શશી થરૂર ઉભા રહેવાના છે. આ વખતે પક્ષના નિર્વાચક મંડળના ૯૦૦૦થી વધુ પ્રતિનિધિઓ મતદાન કરશે.

આ ચૂંટણીનું મહત્વ સમજાવતાં કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું હતું કે, 'હું કે, કામરાજના વિચારોને અનુસરૂ છું કે ચૂંટણી સર્વસંમતિથી થવી જોઈએ. પરંતુ જો તે ન સાધી શકાય તો ચૂંટણી અનિવાર્ય બને છે.' કોંગ્રેસ એક માત્ર પાર્ટી છે કે જ્યાં ચૂંટણી સંપૂર્ણ લોકતાંત્રિક ઢબે અને પારદર્શક રીતે યોજાય છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે પક્ષના પ્રમુખપદ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કેરલના અગ્રીમ નેતા શશી થરૂર વચ્ચે સ્પર્ધા થવા પૂરો સંભવ છે.

પક્ષના ૧૩૭ વર્ષના ઈતિહાસ ઉપર નજર નાખીએ તો મોટેભાગે પક્ષ પ્રમુખની ચૂંટણી સર્વસંમતિથી જ થઈ હતી. પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી યોજાઈ હતી તેનો ઈતિહાસ પણ જયરામ રમેશે જણાવ્યો છે. જેમ કે ૧૯૩૯માં મહાત્માજીનું સમર્થન પણ મેળવેલા બી. પટ્ટાભિ સીતારામૈય્યાની સામે સુભાષ બાબુ ઉભા રહ્યા હતા અને વિજયી પણ થયા હતા. તે ચૂંટણીમાં સુભાષ બાબુને ૧૫૮૦ મત મળ્યા, સીતારામૈય્યાને ૧,૩૭૭ મત મળ્યા હતા.

આઝાદી પછી થયેલી પક્ષ પ્રમુખની ચુંટણી ૧૯૫૦માં યોજાઈ, આચાર્ય કૃપલાની અને પુરૂષોત્તમદાસ ટંડન વચ્ચેની સ્પર્ધામાં ટંડનને ૧૩૦૬ મત મળ્યા. કૃપલાનીને ૧૦૯૨ મત મળ્યા પરંતુ જવાહરલાલ નહેરૂ સાથે મતભેદ થવાથી ટંડને ત્યાગપત્ર આપ્યું. તેથી નહેરૂએ કમાન્ડ સંભાળ્યો. તેઓ વડાપ્રધાન અને પક્ષ પ્રમુખ પણ રહ્યા. ૧૯૫૫માં પક્ષ પ્રમુખપદ છોડી દીધું અને યુ.એન. ઢેબર પ્રમુખ બન્યા. જોકે તે વખતે ચૂંટણી તો થઈ જ ન હતી, આમ ૧૯૫૦ થી ૧૯૯૭ - ૪૭ વર્ષ સુધી પ્રમુખ પદની ચૂંટણી થઈ નહીં. ૯૭માં સીતારામ કેસરી, શરદ પવાર અને રાજેશ પાયલોટ વચ્ચે ત્રિકોણી જંગ યોજાયો. કેસરીને ૬૨૨૪, પવારને ૮૮૨ અને પાયલોટને ૩૫૪ મત મળ્યા. કેસરી પક્ષ પ્રમુખ બન્યા. તેઓ ટીકાપાત્ર પણ પછીથી બની રહ્યા.

૨૦૦૦ માં યોજાયેલી ચૂંટણીમાં રાજીવ ગાંધીના જ રાજકીય મંત્રીપદે રહી રહી ચૂકેલા જિતેન્દ્રપ્રસાદ સોનિયા ગાંધી સામે ઉભા રહ્યા. જેમાં તેમને માત્ર ૯૪ મત મળ્યા જ્યારે સોનિયા ગાંધીને ૭૪૦૦ ડેલીગેટસનું સમર્થન પ્રાપ્ત થયું હતું.

આઝાદી પછી ૧૬ પક્ષ પ્રમુખ થયા. તેમાં ગાંધી પરિવારના પાંચ તે પદે રહ્યાં. અત્યારે સોનિયા ગાંધી પ્રમુખપદે છે. સૌથી લાંબા સમય સુધી એક મહિલા પ્રમુખપદે રહ્યાનો તેમનો વિક્રમ છે. સ્વતંત્ર ભારતમાં આશરે ચાર દશક સુધી નહેરૂ ગાંધી પરિવારનો વિક્રમ છે. નેહરૂ ૧૯૫૧-૫૫ સુધી પ્રમુખ રહ્યા. ૫૫માં પ્રમુખપદ છોડયું અને ઢેબર પ્રમુખ બન્યા. તે પછી ઈંદિરા ગાંધી ૧૯૫૯, ૧૯૬૬-૬૭, ૧૯૭૮-૮૪ સુધી પ્રમુખ રહ્યાં. તેઓની હત્યા પછી ૧૯૮૪-૯૧ સુધી રાજીવ પક્ષપ્રમુખ પદે રહ્યાં. તેઓની હત્યા થતાં ૧૯૯૨-૯૬ પી.વી. નરસિંહ રાવ કોંગ્રેસ પ્રમુખપદે રહ્યા.

Tags :