Get The App

જયપુરમાં મોટી દુર્ઘટના ટળી: રનવે પર સ્પર્શ બાદ ફરી હવામાં ઉડ્યું વિમાન, કોંગ્રેસના નેતા પણ હતા સવાર

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી: રનવે પર સ્પર્શ બાદ ફરી હવામાં ઉડ્યું વિમાન, કોંગ્રેસના નેતા પણ હતા સવાર 1 - image


Sukhjinder Singh Randhawa : મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જીવ ગુમાવ્યો છે. ત્યારે જયપુરમાં પણ એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ફેઈલ થવાના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. આ વિમાનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા પણ સવાર હતા. 

જયપુર એરપોર્ટ પર દુર્ઘટના ટળી

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-1719 આજે બપોરે 1.05 વાગ્યે જયપુર એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. વિમાને રનવે પર ટચડાઉન કરતાં જ પાયલોટે અંતિમ ક્ષણોમાં વિમાન ફરીથી હવામાં ઉઠાવી લીધું હતું. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પાયલોટે 'ગો-રાઉન્ડ' કરવાનો નિર્ણય લીધો. વિમાને એરપોર્ટ પર ચક્કર લગાવ્યા અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કર્યો. વિમાન સફળતાપૂર્વક લેન્ડ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

આ વિમાનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા પણ સવાર હતા. પ્રથમ વખતે વિમાનનું લેન્ડિંગ નિષ્ફળ જતાં લોકોમાં ચિંતા વધી ગઈ હતી. 

પ્લેન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન

 મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા NCP નેતા અજિત પવારનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે સવારે બારામતીમાં લેન્ડ કરતાં સમયે વિમાન ક્રેશ થયું. તેઓ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. ક્રેશ થયા બાદ ચાર્ટર્ડ પ્લેનમાં આગ પણ લાગી હતી.