India

પ્લેન ક્રેશનું રહસ્ય શોધવા સમિતિ બની, રિપોર્ટ આવતા ત્રણ મહિના થશે

By GS TEAM
15 Jun 20252 mins read
પ્લેન ક્રેશનું રહસ્ય શોધવા સમિતિ બની, રિપોર્ટ આવતા ત્રણ મહિના થશે

- બ્લેક બોક્સ ડિકોડ થાય પછી બધી વિગતો બહાર આવશે : નાયડુ

- મેડે... નો પાવર... નો થ્રસ્ટ... નીચે પડી રહ્યા છીએ : પાયલટ સુમિત સભરવાલનો પાંચ સેકન્ડનો છેલ્લો સંદેશો સામે આવ્યો

નવી દિલ્હી : અમદાવાદમાં ગુરુવારે થયેલા વિમાન અકસ્માતનું કારણ જાણવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવાઈ છે, જે ત્રણ મહિનામાં રિપોર્ટ આપશે તેમ કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે, એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭-૮ ડ્રિમલાઈનર વિમાનનું બ્લેક બોક્સ શુક્રવારે સાંજે અકસ્માત સ્થળેથી મળી આવ્યું હતું. બ્લેક બોક્સના ડેટાને ડિકોડ કરવામાં આવી રહ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું કે, બ્લેક બોક્સને ડિકોડ કરીને વિમાન અકસ્માત પહેલાંની ક્ષણો અંગેની વિગતવાર માહિતી મેળવવામાં આવશે. દેશમાં પ્રવાસીઓની સુરક્ષાના ધોરણોનું ચુસ્તતાપૂર્વક પાલન કરવામાં આવે છે. જોકે, પ્રવાસીઓની સલામતી સુધારવા માટે બધું જ કરવામાં આવશે. વિમાન અકસ્માત અંગેની દરેક થીયરીની ઊંડાણપૂર્વક સમીક્ષા કરાશે. નાગરિક ઉડ્ડયન મંત્રીની પત્રકાર પરિષદ પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

રામમોહન નાયડુએ ઉમેર્યું કે, ગૃહમંત્રીના અધ્યક્ષપદે અનેક એજન્સીઓને સામેલ કરતી ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિની સોમવારે બેઠક મળશે અને સમિતિ ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ આપશે તેવી અપેક્ષા છે. નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહાએ કહ્યુ ંકે, એર ઈન્ડિયા વિમાન અકસ્માતમાં તપાસ ખૂબ જ ઝીણવટપૂર્વક રીતે આગળ વધી રહી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) અકસ્માતની તપાસ કરી રહી છે. ડીજીસીએ અને આઈબીના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. 

રામમોહન નાયડુએ ઉમેર્યું કે, છેલ્લા બે દિવસ બધા માટે ઘણા જ ખરાબ રહ્યા છે. હું અંગત રીતે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિની સમીક્ષા કરી હતી. અકસ્માત સ્થળના દૃશ્યો અત્યંત ભયાનક હતા. મેં પણ મારા પિતાને રેલવે અકસ્માતમાં ગુમાવ્યા છે. તેથી આ અકસ્માતમાં મૃતકોના સ્વજનોની પીડા હું સમજી શકું છું.

તેમણે જણાવ્યું કે, વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી ૬૫૦ ફૂટની ઊંચાઈ પર ગયું હતું અને પછી અચાનક નીચેની તરફ આવતા તૂટી પડયું હતું. પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને ઈમર્જન્સીની માહિતી આપી હતી, પરંતુ એટીસી કંઈ કરે તે હેલાં જ વિમાન તૂટી પડયું હતું. સૂત્રો મુજબ વિમાન અકસ્માત પહેલાં પાયલટ સુમિત સભરવાલે એર ટ્રાફિક કંટ્રોલને મોકલેલો પાંચ સેકન્ડનો સંદેશો સામે આવ્યો છે. આ સંદેશામાં પાયલોટ સભરવાલનો ગભરાયેલો અને નિઃસહાય અવાજ સ્પષ્ટ સંભળાય છે. સુમિત સભરવાલ કહે છે, મેડે... મેડે... મેડે... નો પાવર... નો થ્રસ્ટ... ગોઈંગ ડાઉન... એટલે કે પાવર નથી, થ્રસ્ટ નથી, અમે નીચે જઈ રહ્યા છીએ.