app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૭૧.૫૦ રૃપિયાનો ઘટાડો

જેટ ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૨.૪૫ ટકાનો ઘટાડો

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Updated: May 2nd, 2023


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧

હોટેલ અને રેસ્ટોરન્ટ સહિતના બિઝનેસ એકમોમાં વાપરવામાં આવતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૭૧.૫૦ રૃપિયાનો ઘટાડો થયો છે જ્યારે જેટ ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૨.૪૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવાને પગલે દેશમાં કોમર્શિયલ એલપીજી અને વિમાનમાં વપરાતા ઇંધણના ભાવ ઘટાડવામાં આવ્યા છે.

દિલ્હીમાં ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ ૨૦૨૮ રૃપિયાથી ઘટીને ૧૮૫૬.૫ રૃપિયા થઇ ગયો છે તેમ સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ એલપીજીના ભાવમાં સળંગ બીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. એક એપ્રિલે ૧૯ કિલોેના કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં ૯૧.૫ રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે એક માર્ચના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૫૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કિગ્રાના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૧૦૩ રૃપિયા પર સ્થિર છે. ઉલ્લેખનીય છે કે એક માર્ચના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

એટીએફના ભાવમાં ૨.૪૫ ટકાનો ઘટાડો થતાં દિલ્હીમાં એક કિલોલીટર જેટ ફ્યુઅલનો ભાવ ૨૪૧૪.૨૫ રૃપિયા ઘટીને ૯૫,૯૩૫.૩૪ રૃપિયા થયો છે. ઉલ્લેખનીય છે કે સળંગ ત્રીજા મહિને એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) દર મહિનાની પ્રથમ તારીખે ઇંધણના ભાવમાં ફેરફાર કરે છે.

રવિ પાકના લણણીની કારણે અને આર્થિક પ્રવૃત્તિઓ વધવાને કારણે એપ્રિલમાં ડીઝલની માગમાં વધારો જોવા મળ્યો છે. એપ્રિલ, ૨૦૨૩માં ૭૧.૫૦ લાખ ટન ડીઝલનું વેચાણ થયું હતું. જે ગયા વર્ષના એપ્રિલની સરખામણીમાં ૬.૭ ટકા વધારે છે. માર્ચ, ૨૦૨૩માં ડીઝલનું વેચાણ ૬૮.૩ લાખ ટન હતું.એપ્રિલમાં પેટ્રોલનું વેચાણ ૨.૫ ટકા વધીને ૨૬.૪ લાખ ટન રહ્યું છે. એપ્રિલમાં રાંધણ ગેસ એલપીજીનું વેચાણ ૨૧.૯ લાખ ટન થયું હતું.

 

 

 

Gujarat