કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા
- પહેલી મેથી રોજિંદા જીવનને અસર કરતા મહત્ત્વ ફેરફારો
- એટીએમમાંથી નાણા ઉપાડવાનું મોંઘું થયું : નિર્ધારિત મફત ટ્રાન્ઝેકશનો પૂર્ણ થયા પછી પ્રત્યેક ટ્રાન્ઝેકશન દીઠ રૂ. 23 ચાર્જ
- ઉ.પ્રદેશ, આંધ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત 11 રાજ્યની તમામ ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને એક સાથે મર્જ કરી એક મોટી બેંક બનાવાશે
નવી દિલ્હી : વિમાન ઇંધણ (એટીએફ)ના ભાવમાં ગુરૂવારે ૪.૪ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો એક મહિનાની અંદર બીજો મોટો ઘટાડો છે.
આ ઉપરાંત હોટેલો અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કને ધ્યાનમાં રાખીને ૧૪.૫૦ રૂપિયા ઘટાડવામાં આવ્યો છે.
સરકારી ઇંધણ વિક્રેતાઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એવિએશન ટર્બાઇન ફયુઅલ (એટીએફ) એટલે કે વિમાન ઇંધણનો ભાવ ૩૯૫૪.૩૮ રૂપિયા પ્રતિ કિલોલીટર એટલે કે ૪.૪ ટકા ઘટીને ૮૫,૪૮૬.૮૦ રૂપિયા પ્રતિ કિલોલિટર થઇ ગયો છે.
ઓઇલ કંપનીઓએ ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૪.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીના ભાવ ઘટીને ૧૭૪૭.૫૦ રૂપિયા થઇ ગયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં છેલ્લા કેટલાક સપ્તાહોમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક વેપાર યુદ્ધને કારણે ઓઇલની માંગમાં ઘટાડો થવાનું જોખમ ઉભુ થયુ છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૬૧ ડોલરની નીચે પહોંચી ગયો છે જે છેલ્લા ત્રણ વર્ષની નિમ્ન સપાટી છે.
બેંક ગ્રાહકો માટે એટીએમમાંથી નાણા ઉપાડવા આજથી મોંઘું થઇ ગયું છે. હવે બેંક મહિનાના નિર્ધારિત નાણા ઉપાડવાના મફત વ્યવહારો પૂર્ણ થયા પછી પ્રત્યેક ઉપાડ પર ૨૩ રૂપિયા ચાર્જ વસુલ કરશે. અત્યાર સુધી આ ચાર્જ ૨૧ રૂપિયા હતો.
ગ્રાહક દર મહિને પોતાની બેંકના એટીએમમાંથી પાંચ મફત ટ્રાન્ઝેકશન કરી શકે છે. આ ટ્રાન્ઝેકશનમાં નાણાકીય અને બિન નાણાકીય બંને ટ્રાન્ઝેકશનનો સમાવેશ થાય છે.
મેટ્રો શહેરોમાં ગ્રાહક દર મહિને અન્ય બેંકના એટીએમમાંથી નાણાકીય અને બિન નાણાકીય સહિત કુલ ત્રણ મફત ટ્રાન્ઝેકશન કરી શકે છે. નોન મેટ્રો શહેરોમાં ગ્રાહક દર મહિને અન્ય બેંકના એટીએમમાંથી નાણાકીય અને બિન નાણાકીય સહિત કુલ પાંચ મફત ટ્રાન્ઝેકશન કરી શકે છે.
એક મેથી રેલવે ટિકિંગ બુકિંગના નિયમોમાં ફેરફાર થયો છે. હવે વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચ માટે જ માન્ય રહેશે. વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં યાત્રા કરી શકાશે નહીં. આ ઉપરાંત એડવાન્સ રિઝર્વેશન પિરિયડ ૧૨૦ દિવસથી ઘટાડી ૬૦ દિવસ કરવામાં આવ્યું છે.એક મેથી ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત ૧૧ રાજ્યની તમામ ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને એક સાથે જોડી એક મોટી બેંક બનાવવામાં આવશે. આનાથી બેકિંગ સેવાઓ વધુ સારી થશે અને ગ્રાહકોને અગાઉ કરતા વધારે સુવિધા મળશે.