India

જીવનસાથીની દિવ્યાંગતા પર ટિપ્પણી કે ચરિત્ર પર ખોટા આરોપો ક્રૂરતા ગણાય

By GS TEAM
30 Jun 20252 mins read
જીવનસાથીની દિવ્યાંગતા પર ટિપ્પણી કે ચરિત્ર પર ખોટા આરોપો ક્રૂરતા ગણાય

- પતિ-પત્નીના છૂટાછેડાના કેસોમાં બે હાઇકોર્ટોનું અવલોકન

- પત્ની પર લગ્નેત્તર સંબંધના આરોપો ખોટા સાબિત થતા પતિની છૂટાછેડાની માગ છત્તીસગઢ હાઇકોર્ટે ફગાવી

ભુવનેશ્વર/રાયપુર: પતિ-પત્ની એકબીજાની ખામીઓ કે ચરિત્રને લઇને આરોપો લગાવતા હોય તેવા કિસ્સા કોર્ટ સુધી પહોંચી ચુક્યા છે. આવા જ બે કેસોને લઇને બે હાઇકોર્ટો દ્વારા અલગ અલગ અવલોકન કરાયા હતા. ઓડિશા હાઇકોર્ટે કહ્યું હતું કે પતિની શારીરિક દિવ્યાંગતા પર પત્ની દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવી ક્રૂરતા ગણાય, જ્યારે છત્તીસગઢ હાઇકોર્ટે એક કેસમાં કહ્યું હતું કે પત્નીના ચરિત્ર પર પતિ દ્વારા જુઠા આરોપો લગાવવા ક્રૂરતા ગણાય.   

પતિને બેકાર, નકામો કહીને પત્ની દિવ્યાંગતા પર ટોણા મારતી હતી, ઓડિશા હાઇકોર્ટે છૂટાછેડા યોગ્ય ઠેરવ્યા

ઓડિશામાં એક કપલના ૨૦૧૬માં લગ્ન થયા હતા, બે મહિના બાદ પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની તેની શારીરિક નબળાઇને લઇને ટિપ્પણીઓ કરતી હતી, લગ્ન થયા તેના બે મહિના બાદ જ પત્ની ઘર છોડીને માતા પિતા પાસે જતી રહી હતી. વર્ષ બાદ પરત આવી જોકે એક વર્ષ બાદ પાછી પતિનું ઘર છોડીને જતી રહી હતી અને પતિ સામે ૪૯૮-એ હેઠળ ઉત્પીડનની ફરિયાદ કરી હતી. વર્ષ ૨૦૧૯માં પતિએ છૂટાછેડા માટે અરજી કરી જેને ફેમેલી કોર્ટે મંજૂર કરી. 

પતિએ એવી દલીલ કરી હતી કે પત્ની તેને વારંવાર નકામો કહીને શારીરિક નબળાઇ પર સવાલો ઉઠાવતી હતી. ફેમેલી કોર્ટે આ પ્રકારની ટિપ્પણીને માનસિક ક્રૂરતા માનીને છૂટાછેડા મંજૂર કર્યા હતા. જોકે કાયમી ભરણપોષણ અંગે કોઇ નિર્ણય નહોતો લીધો. બાદમાં પત્ની દ્વારા હાઇકોર્ટમાં કાયમી ભરણપોષણ માટે અપીલ કરાઇ હતી. ઓડિશા હાઇકોર્ટે છૂટાછેડાને યોગ્ય ઠેરવ્યા હતા અને પતિની શારીરિક દિવ્યાંગતા પર પત્ની દ્વારા વારંવાર ટિપ્પણી કરવાને ક્રૂરતા ગણાવી હતી. સાક્ષીઓના નિવેદનના આધારે આ ટિપ્પણી પત્નીએ કરી હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું.

જ્યારે છત્તીસગઢમાં એક પતિએ પત્ની પર લગ્નેત્તર સંબંધો રાખવાનો આરોપ લગાવી છૂટાછેડા માગ્યા હતા, જોકે તે પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોને સાબિત નહોતો કરી શક્યો ના તો તેણે આ અંગે કોઇ ફરિયાદ કરી હતી. જેને પગલે ફેમેલી કોર્ટે છૂટાછેડાની માગ ફગાવી હતી. બાદમાં ફેમેલી કોર્ટના ચુકાદાને પતિ દ્વારા હાઇકોર્ટમાં પડકારાયો હતો. છત્તીસગઢ હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં પતિએ પત્નીના ચરિત્ર પર ખોટા આરોપો લગાવ્યા છે. સાથે જ તેના સાસુ સસરા અને પતિ દ્વારા તેના પર અત્યાચાર પણ થયો છે. પત્ની પર તેના ચરિત્રને લઇને જુઠા આરોપો લગાવવા માનસિક ક્રૂરતા સમાન છે. હાઇકોર્ટે પતિની અપીલ ફગાવી હતી.