કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ
Harsh Gujral Controversy: સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના અને રણવીરનો વિવાદ હજી શાંત થયો નથી, ત્યાં કાનપુરના કોમેડિયન હર્ષ ગુજરાલે એક વિવાદાસ્પદ ટીપ્પણી કરતાં સોશિયલ મીડિયા પર હોબાળો થયો છે. હર્ષ ગુજરાલે પોતાના કોમેડી શૉમાં ઓપરેશન સિંદૂર મુદ્દે બિહાર અને બિહારના લોકો પર ટીપ્પણી કરતાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેનો પટણા શૉ રદ કરવા અને બહિષ્કાર કરવાની માગ કરી છે. ગુજરાલ 23 મેથી 26 જુલાઈ સુધી 22 શહેરોમાં 'જો બોલતા હે, વહી હોતા હે.' કોમેડી શૉ કરવા જઈ રહ્યો છે. જેમાં 7 જૂનના રોજ પટણામાં શૉ છે.
ગુજરાલ પર બિહારના અપમાનનો આરોપ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંદૂર મુદ્દે હર્ષ ગુજરાલે ત્રણ દિવસ પહેલાં જય હિન્દ નામથી એક કોમેડી શૉનો વીડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં ગુજરાલે કહ્યું કે, 'બ્લેકઆઉટથી ભારત ભયભીત થઈ રહ્યું છે. બિહારમાં લોકો બ્લેકઆઉટ જોવા માટે બહાર ઉમટી પડ્યા હતાં. બિહાર જેવી તુચ્છ કોમ આખા દેશમાં નથી. બિહારમાં એક જણ બીજાને મળ્યું અને કહી રહ્યું છે કે, અંધારૂ જોવા આવ્યો છું. અંધારાનું મુખ્ય કામ છે, કોઈ દેખાય નહીં. જ્યારે આ લોકો તેને જોવા ગયાં. અંધારાને પોતાના અસ્તિત્વ પર શંકા ગઈ....અપશબ્દો બોલી ગુજરાલ બોલ્યો કે, આપણે શું? એક નકામા માણસને પૂછ્યું કે, બ્લેકઆઉટ શું છે ખબર છે? તો કહે ભાઈ કેચઆઉટ વિશે સાંભળ્યું છે મેં, પણ બ્લેકઆઉટ કોણ આપે છે, મેં કીધું થર્ડ એમ્પાયર, બ્લેકઆઉટ.'
અગાઉ પણ વિવાદોમાં ફસાયો
બોલિવૂડ સ્ટાર્સ અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'માં કામ કરી ચૂકેલો હર્ષ ગુજરાલ પહેલાં પણ વિવાદોમાં ફસાયો હતો. તેણે એક વખત પોતાની કોમેડીમાં કહ્યું હતું કે, 6000માં તો રશિયન આવી જાય છે, આ વાત કરી કોલગર્લની ખુલ્લેઆમ વાત કરવા બદલ વિવાદ સર્જાયો હતો. એક શૉમાં મહિલા દર્શક સાથે ગેરવર્તૂણક કરવા બદલ પણ ગુજરાલની ટીકા થઈ હતી. કોમેડી શૉ ઈન્ડિયા ગોટ લેટેન્ટમાં પણ ખરાબ અને અશ્લીલ વાતો કરવા બદલ રણવીર અને સમય રૈના પર કેસ થયો તો હર્ષ ગુજરાલે પોતાનો કોમેડી શૉ ધ એસ્કેપ રૂમ ડિલિટ કર્યો હતો. ત્યારે તેના માત્ર બે વીડિયો આવ્યા હતાં. જેમાં અશ્લીલ વાતો કહી હતી.