કર્નલ સોફિયા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુરની માહિતી આપી
- ભારતીય સૈન્યના મિશનમાં મહિલાઓનો દબદબો વધ્યો
- કર્નલ સોફિયાએ બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ ઈતિહાસ રચ્યો હતો, વ્યોમિકા હેલિકોપ્ટર પાયલોટ
નવી દિલ્હી : ઓપરેશન સિંદુર હેઠળ આ સૈન્ય કાર્યવાહી અંગે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
ભારતીય સૈન્યની બંને મહિલા અધિકારીઓએ પાકિસ્તાન પર હુમલા અંગે વિગતવાર વાત કરી હતી અને જણાવ્યું કે, સૈન્યે પાકિસ્તાનમાં ચાલી રહેલી આતંકની ફેક્ટરીઓને ખતમ કરી દીધી છે. ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરૈશીએ પૂણેમાં આયોજિત બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ - એક્સરસાઈઝ ફોર્સ ૧૮માં ભારતીય સેનાની ટુકડીનું સુકાન સંભાળનારી પહેલી મહિલા તરીકે ઈતિહાસ રચ્યો હતો. ૨ માર્ચથી ૮ માર્ચ સુધી પૂણેમાં આયોજિત આ યુદ્ધ અભ્યાસમાં ૧૮ દેશોએ ભાગ લીધો હતો, જેમાં આસિયાનના સભ્ય દેશોની સાથે જાપાન, ચીન, રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સામેલ હતા. સોફિયાના દાદા આર્મીમાંથી નિવૃત્ત થયા હતા જ્યારે સોફિયાએ મિકેનાઈઝ્ડ ઈન્ફન્ટ્રીના અધિકારી સાથે લગ્ન કર્યા છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ બાળપણથી જ ભારતીય એરફોર્સમાં જોડાવા માગતાં હતાં. તેઓ ભારતીય એરફોર્સમાં હેલિકોપ્ટર પાયલોટ છે. તેમને જોખમી વિસ્તારોમાં ભારતીય એરફોર્સનાં પાયલોટ તરીકે ઉડ્ડયનનો બહોળો અનુભવ છે. અત્યાર સુધમાં તેમણે અઢી હજારથી વધુ કલાકના ઉડ્ડયનનો અનુભવ ધરાવે છે. વ્યોમિકા પૂર્વોત્તર ભારતના રાજ્યો અને જમ્મુ-કાશ્મીર જેવા મુશ્કેલ વિસ્તારોમાં ચીતા અને ચેતક જેવા હેલિકોપ્ટરને ઉડાવી ચૂક્યાં છે. તેઓ અનેક રેસ્ક્યૂ મિશનને પણ સફળતાપૂર્વક પૂરો કરી ચૂક્યાં છે. નવેમ્બર ૦૨૦માં તેમણે અરૂણાચલ પ્રદેશમાં અનેક મુશ્કેલ મિશનનું નેતૃત્વ કર્યું હતું અને લોકોના જીવ બચાવ્યા હતા.