Get The App

પર્વતીય રાજ્યોમાં વધુ બરફ વર્ષાની આગાહી ઃ દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં માઇનસ ૮.૬ ડિગ્રી ઃ રાજસ્થાનમાં ચાર સ્થળોએ પાંચ ડિગ્રીથી ઓછું તાપમાન

દિલ્હીમાં લઘુતમ ૭.૬ અને મહત્તમ ૧૫.૭ ડિગ્રી તાપમાન

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
પર્વતીય રાજ્યોમાં વધુ બરફ વર્ષાની આગાહી ઃ દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ 1 - image

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૬

મંગળવારે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા થવાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેમાં દેશની રાજધાની દિલ્હી પણ સામેલ છે જ્યાં વર્ષ ૨૦૨૬નો પ્રથમ ઠંડો દિવસ નોંધવામાં આવ્યો હતો.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસટાન અને મુઝફ્ફરાબાદમાં તાપમાન શૂન્યથી નીચે  હતું. ેહિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શૂન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પાંચથી દસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે  તાપમાન રહ્યું હતું.

દિલ્હીમાં બુધવારે પણ દિવસ ઠંડો રહેવાની સંભાવના છે. દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૭.૬ અને મહત્તમ તાપમાન ૧૫.૭ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાનું ગુલમર્ગ માઇનસ ૮.૬ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. પશ્ચિમી વિક્ષેપને કારણે જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સ્થળોએ બરફ વર્ષા થઇ હતી.

રાજસ્થાનમાં ચાર સ્થળોએ પાંચ ડિગ્રીથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું હતું. તીવ્ર ઠંડી અને ધુમ્મસને કારણે વહીવટી તંત્રે ૧૨ જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં શિયાળુ વેકેશન લંબાવ્યું છે. આ ૧૨ જિલ્લાઓમાં જયપુર, ગંગાનગર, હનુમાનગઢ અને સિકર પણ સામેલ છે.

ઝારખંડના ૧૦ જિલ્લામાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું હતું. ગર્હવા, પલામુ, લાતેહર, લોેહારડગા, ગુમલા અને ચત્રા જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવી છે. ગુમલામાં સવારે ૮.૩૦ વાગ્યે ૨.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

કોલકાતામાં ૧૦.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જાન્યુઆરીનો સૌથી ઠંડો દિવસ નોંંધવામાં આવ્યો હતો.