India

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

By GS TEAM
16 Mar 20262 mins read
કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

એલપીજીની અછતનો અસહ્ય માર

નાગરિકો ઉપરાંત રેસ્ટોરાંવાળાની પણ કોલસા માટે દોડધામઃ સપ્લાયરો સંગ્રહ કરવા લાગ્યા

પુણે: એલપીજી સિલિન્ડરની તીવ્ર તંગીનો સામનો કરી રહેલા રેસ્ટોરાં માલિકો અને ગૃહિણીઓ વૈકલ્પિક ઇંધણ તરીકે વપરાતા કોલસા અને લાકડાના ભાવમાં મોટો ઉછાળો આવ્યાની અને એના કાળા બજાર થઈ રહ્યા હોવાની ફરિયાદો  શરુ થઈ છે. 

પુણેના કોલસાના વેપારીઓના જણાવ્યા મુજબ ઘણા લોકોને ગેસ સિલિન્ડર્સ મળતા ન હોવાથી કોલસાની માગમાં એકઝાટકે ૮૦ ટકાનો ઉછાળો આવ્યો છે. 

પુણેના નાર્હે વિસ્તારની રહેવાસી છાયા ભવરે જણાવ્યું હતું કે એલપીજી સિલિન્ડર ન મળતા મેં હમણા કોલસાથી ચાલતો સ્ટવ ખરીદ્યો હતો. હાઉસિંગ સોસાયટીઓના રહીશો એલપીજી સિલિન્ડર ન મળતા એના વિકલ્પરૂપે એકસાથે ૫-૧૦ કિલો કોલસા ખરીદી રહ્યા છે.

શહેરના સપ્લાયટરોએ કોલસાના ધૂમ કાળા બજાર થતા હોવાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે માગમાં એકાએક ઉછાળો આવતા અમુક ડીલર્સ કોલસાના સ્ટોવની સંઘરાખોરી કરી રહ્યા છે. એમનો ઇરાદો પછીથી એ સ્ટોકને વધુ ઊંચા ભાવે વેચવાનો છે.

કોલસાના  એક સપ્લાયરે  કહ્યું હતું કે કોલસાની સપ્લાય સ્થિર હોવા છતા અમુક ખેલાડીઓ ઉંચા ભાવ પડાવવા કૃત્રિમ તંગી ઊભી કરી રહ્યા છે. એમણે કોલસાનો ભાવ કિલોના ૩૨ રૂા. પરથી વધારો ૪૫ કરી દીધો છે.

રેસ્ટોરાં ઉદ્યોગના પ્રતિનિધિઓના જણાવવા મુજબ એલપીજીની અછતને લીધે લોકો ગભરાટમાં વૈકલ્પિક ઇંધણ ખરીદી રહ્યા છે. એને પગલે માર્કેટમાં  સ્ટોકની તંગી ઊભી થઈ છે. નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયા (એનઆરએઆઇ), પુણેના ચેપ્ટર હેડ સૈલી જહાગિરદારે કહ્યું  હતું કે અમારે હવે ધંધામાં ટકવું મુશ્કેલ બન્યું છે અને અમને તાત્પુરતી વ્યવસ્થા પર આધાર રાખવાની ફરજ પડી રહી છે. 'હાયબ્રિડ કોલસો લાંબુ ટકે છે. એટલે લોકોએ એનો ૨૦૦થી ૫૦૦ કિલો જેટલા જથ્થામાં ખરીદી શરૂ કરી દીધી છે, જેને લીધે એના કાળા બજાર થાય છે. એ તો છોડો, લોકો બળતણના સુકા લાકડાં પણ વીણી સ્ટોર કરવા માંડયા હોવાથી એ મળવા પણ મુશ્કેલ બન્યા છે.

ફરસાણ અને બીજા નમકીન્સના ઉત્પાદકો પણ એલપીજીની અછતને કારણે કોલસા અને ડીઝલ જેવા વૈકલ્પિક વાપરતા થયા છે.