Get The App

કઠપૂતળી જેવા રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશું... જાણો અચાનક કેમ ભડક્યા કોંગ્રેસી CM

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
કઠપૂતળી જેવા રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશું... જાણો અચાનક કેમ ભડક્યા કોંગ્રેસી CM 1 - image


CM Siddaramiah On Governor Thawar Chand Gehlot: કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે વિધાનસભામાં ભાષણ વાંચતા માત્ર બે લાઇન જ બોલ્યા અને પછી નીકળી ગયા. હવે આ અંગે રાજકારણ ગરમાયું છે અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમને કેન્દ્ર સરકારની કઠપૂતળી ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલનું વર્તન એવું હતું કે જાણે તેઓ કેન્દ્ર સરકારની કઠપૂતળી હોય. ગુરુવારે વિધાનસભા સત્ર શરુ થયું હતું અને આ દરમિયાન રાજ્યપાલે માત્ર પહેલી બે જ લાઇન વાંચી. તેમણે વાંચ્યું, 'મારી સરકાર રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસની ગતિ બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે. જય હિંદ, જય કર્ણાટક.' આ વાંચીને તેઓ નીકળી ગયા.



રાજ્યપાલનું વર્તન કઠપૂતળી જેવું હતું: CM સિદ્ધારમૈયા

તેમણે માત્ર બે જ લાઇનમાં પોતાનું ભાષણ પૂરું કરી દેતાં હોબાળો મચી ગયો. સત્તારુઢ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ રાજ્યપાલ વિરુદ્ધ 'શેમ-શેમ'ના નારા લગાવવાનું શરુ કરી દીધું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'રાજ્યપાલે આખું ભાષણ ન વાંચીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. રાજ્યપાલનું વર્તન કઠપૂતળી જેવું હતું. રાજ્યપાલ ગેહલોતે બંધારણ પ્રમાણે પોતાની જવાબદારીનું પાલન નથી કર્યું. અમે તેમના આ વર્તન વિરુદ્ધ પ્રદર્શન કરીશું. અમે એ પણ જોઈશું કે, શું રાજ્યપાલ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકાય કે નહીં.'

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ટ્રમ્પની 'જી હજુરી', ગાઝા બોર્ડનું સભ્ય બનીને 9000 કરોડ ચૂકવવા તૈયાર!

રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે તણાવ

છેલ્લા કેટલાક સમયથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. જોકે, તેમ છતાં પણ ગુરુવારે જ્યારે રાજ્યપાલ વિધાનસભા પહોંચ્યા ત્યારે દરવાજા  પર જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, વિધાનસભા અધ્યક્ષ યુટી ખાડેકર અને અનેક મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું. ગેહલોતે બુધવારે ઇન્કાર કરી દીધો હતો કે, હું વિધાનસભામાં ભાષણ નહીં આપીશ. જેના કારણે ગૃહની શરુઆતમાં રાજ્યપાલ દ્વારા ભાષણ આપવાની પરંપરાનું પાલન થશે કે નહીં તે અંગે ચિંતા ઊભી થઈ ગઈ હતી.

11 ફકરાનું ભાષણ માત્ર 2 લાઇનમાં પૂરું કર્યું

રાજ્યપાલનું ભાષણ કુલ 11 ફકરાનું હતું અને એવો આરોપ છે કે તેનો મોટાભાગનો હિસ્સો કેન્દ્ર સરકારની ટીકાથી ભરેલો હતો. આના કારણે જ સરકાર અને રાજ્યપાલ વચ્ચે તણાવ ઊભો થયો હતો. રાજ્યપાલ ઇચ્છતા હતા કે ભાષણના મોટાભાગના હિસ્સાને હટાવી દેવામાં આવે, પરંતુ સિદ્ધારમૈયા સરકાર આ અંગે રાજી ન થઈ. અંતે રાજ્યપાલ ગૃહમાં તો પહોંચ્યા, પરંતુ માત્ર બે જ લાઇનમાં પોતાનું ભાષણ પૂરું કરી દીધું અને ત્યાંથી જતા રહ્યા.